- અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં ગોળીબારથી મહિલાનુ મોત
- ભારતીય મૂળના 19 વર્ષીય યુવક દ્વારા કરાયો ગોળીબાર
- ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો
અમેરિકાના ન્યુ જર્સી રાજ્યમાં ગોળીબારની ઘટનામાં ભારતીય મૂળની એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ગોળીબારની ઘટના કથિત રીતે ભારતીય મૂળના 19 વર્ષીય યુવક દ્વારા કરવામાં આવી હતી. કાઉન્ટીના ફરિયાદીએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, ગોળીબાર 12 જૂને ઉત્તરપૂર્વીય મિડલસેક્સ કાઉન્ટી ન્યુ જર્સીમાં થયો હતો.
મહિલાઓને હોસ્પિટલ લઈ જવામાં આવી
ગોળીબારની માહિતી પર કાર્યવાહી કરતા અધિકારીઓએ ગોળીઓથી ઘાયલ થયેલી 2 મહિલાઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કારટેરેટની 29 વર્ષીય જસવીર કૌરને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવી હતી જ્યારે અન્ય પીડિત 20 વર્ષીય મહિલાની હાલત ગંભીર છે.
ભારતીય કોન્સ્યુલેટે શોક વ્યક્ત કર્યો
ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટર પર લખ્યું હતું કે, ન્યુ જર્સીના રૂઝવેલ્ટ એવન્યુ, કારટેરેટ ખાતે ગોળીબારમાં જસવીર કૌરના દુ:ખદ મૃત્યુ અને ગગનદીપ કૌરના ઘાયલ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને અમે મૃતક પરિવારના સંપર્કમાં છીએ.
આરોપીની ધરપકડ
અહેવાલ અનુસાર, બીજી પીડિત મહિલા જસવીર કૌરની સંબંધી હતી. બાદમાં પોલીસે ગોળીબારના સંબંધમાં ગૌરવ ગિલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. ફાયરિંગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


