દેશની સૌથી વિશ્વાસપાત્ર એરલાઇન ઇન્ડિગો પર 10 દિવસમાં જ લોકોનો ભરોસો ડગમગાઇ ગયો. યાત્રીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા. 20 વર્ષની શાખ દાવ પર લાગી ગઇ. ઇન્ડિગો સંકટ માટે કોણ જવાબદાર ? શું ઇન્ડિગોએ બદલાયેલા નિયમો ગંભીરતાથી ન લીધા કે પછી 65 ટકા માર્કેટ શેર ધરાવતી ઇન્ડિગોનો ઇગો હાઇ હતો કે તેને લાગતુ હશે કે હું નહીં તો કોણ ?
ઇન્ડિગોની શાખ દાવ પર
એ કંપની કે જેણે ઇન્ડિયન એવિએશનના માનાંકો નક્કી કર્યા તે કંપની આજે સવાલોના ઘેરામાં ઘેરાઇ ગઇ છે. એક અઠવાડિયામાં જ તેની જે ઓળખ હતી તેનાથી વિપરીત બધ થઇ રહ્યું છે. યાત્રીઓએ કલાકો સુધી ફ્લાઇટ માટે રાહ જોવી પડી રહી છે. એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. અનેક ફ્લાઇટ રદ, પાયલટની અછચ અને ઓપરેશન પ્લાનિંગમાં ખામી અને એફડીટીએલના નિયમોના પ્રેશર વગેરે કારણોસર દુનિયાની ઝડપી એરલાઇન્સમાંથી એક એવી ઇન્ડિગોની પોતાની છબીને ઘણુ નુકસાન પહોંચાડ્યુ છે.
65 ટકા માર્કેટ શેર ધરાવતી કંપની
સોશિયલ મીડિયા પર મુસાફરોનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળ્યો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) પણ કડક વલણ અપનાવી રહ્યું છે. પહેલી નજરે એવું લાગે છે કે નાની વ્યૂહાત્મક ભૂલો, બેદરકારીભર્યા ક્રૂ પ્લાનિંગ અને બદલાતા નિયમોનું પાલન ન કરવાથી આખી એરલાઇન સંકટમાં ધકેલાઈ શકે છે. ભારતમાં આ સંકટ વધુ તીવ્ર છે, કારણ કે ઇન્ડિગો પેસેન્જર માર્કેટનો લગભગ 65% હિસ્સો ધરાવે છે.
શું FDTLનો નિયમ અડચણરૂપ સાબિત થયો ?
ઇન્ડિગોનું સંકટ નવેમ્બરમાં શરૂ થયું હતું. ગયા મહિને, તેને લગભગ 1,200 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં કટોકટી વધુ ઘેરી બની, દિલ્હીમાં એક જ દિવસમાં 134 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોમાં મુસાફરો અત્યંત વ્યથિત દેખાતા હતા.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ઉડ્ડયન ક્ષેત્રમાં એક નિયમ લાગુ કર્યો છે.ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) તરીકે ઓળખાતું, આ નિયમનો હેતુ પાઇલટ્સને માનસિક અને શારીરિક થાકને રોકવા માટે આરામ કરવા માટે વધુ સમય આપવાનો છે. આ નિયમ પાઇલટ્સ માટે 48 કલાક સતત આરામ ફરજિયાત કરે છે, જે અગાઉના 36 કલાકથી વધુ છે. આ નિયમ ઇન્ડિગો માટે મોંઘો સાબિત થયો છે.
સલામત ઉડાન સુનિશ્ચિત કરવા માટે, ઓછા રાત્રિ ઉતરાણ, ડ્યુટી કલાકની લિમિટ, લિમિટેડ રાત્રિ ડ્યુટીને કારણે પણ ઇન્ડિગોની સમસ્યાઓમાં વધારો કર્યો છે. સમસ્યા એ છે કે આ ફેરફારો અને નિયમો યોગ્ય તૈયારી વિના લાગુ કરવામાં આવ્યા હતા, અને ઇન્ડિગોનું રોસ્ટર પ્લાનિંગ આ દબાણનો સામનો કરવામાં નિષ્ફળ ગયું.
ઇન્ડિગોને મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડ્યો?
ઇન્ડિગો પાસે દેશનું સૌથી મોટું નેટવર્ક છે, જે દરરોજ આશરે 2,300 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જો કે કંપની પાસે બદલાયેલા નિયમોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતા રિઝર્વ પાઇલટ્સ અને ક્રૂ નહોતા.FDTL લાગુ થયા પહેલા નવા રિસોર્સ અને પૂરતો સ્ટાફ હોવો જોઇતો હતો પરંતુ ઇન્ડિગોએ નવા લોકોની ભરતી કરવાનું બંધ કર્યુ પરિણામે પાયલટની અછતને કારણે કંપનીની સ્થિતિ કાબૂ બહાર જતી રહી. મર્યાદિત મેન પાવરનો સદુપયોગ કરવાની રણનીતિ કામ ન આવી.
કંપનીએ આ કટોકટીનું મુખ્ય કારણ ટેકનિકલ ખામીઓને ગણાવી છે. જોકે નિષ્ણાંતો કહે છે કે આ એકલા આટલું મોટું સંકટ લાવી શકે નહીં. ઇન્ડિગોની વાસ્તવિક ભૂલ સમયસર તેની વ્યૂહરચના ન બદલવાની હતી. જોકે કંપની પહેલાથી જ વધતા ઇંધણના ભાવ, જાળવણી, વિમાન ભાડાપટ્ટા અને એરપોર્ટ ચાર્જને કારણે નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહી હતી, જે તે મર્યાદિત માનવશક્તિ સાથે સંભાળી રહી હતી. પાઇલટ ભાડાપટ્ટો સ્થિર કરવો પણ તેના ખર્ચ ઘટાડવાના પ્રયાસોનો એક ભાગ હતો.
રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગ્યો
મુસાફરોની સાથે, ઇન્ડિગોમાં રોકાણકારોનો વિશ્વાસ પણ ડગમગ્યો છે. છેલ્લા અઠવાડિયાથી ઇન્ડિગોના શેર ઘટી રહ્યા છે, અને આ કટોકટી વચ્ચે, કંપનીના માર્કેટ કેપમાં ₹40,000 કરોડથી વધુનો ઘટાડો થયો છે. આનો અર્થ એ છે કે કંપનીને પણ નોંધપાત્ર નાણાકીય ફટકો પડ્યો છે. મૂડીઝ જેવી રેટિંગ એજન્સીઓ ઇન્ડિગોના સંકટ પર ચિંતા વ્યક્ત કરી રહી છે. હવે બધું કંપનીની વ્યૂહરચના પર નિર્ભર છે. જો આગામી થોડા દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જાય, તો પણ કંપનીના નાણાકીય સ્વાસ્થ્યને પુનઃપ્રાપ્ત થવામાં ઘણો સમય લાગશે.


