- ફ્લાઈટ ઉપાડતાં પહેલાં ગંદકીનો નિકાલ જરૂરી : કોર્ટ
- ગ્રાહકે પ્રવાસ પૂરો કર્યો હોવાથી ટિકિટ રિફંડ મળવાપાત્ર નથી
- સ્વચ્છતાના અભાવની ફરિયાદ છતાં સફાઈ કરવામાં આવી નહોતી
ઈન્ડિગોની બેંગ્લોરથી અમદાવાદની ફ્લાઈટમાં સીટની વચ્ચે ડાઘા હતા, સ્વચ્છતાના અભાવની ફરિયાદ છતાં સફાઈ કરવામાં આવી નહોતી, એરલાઈન્સની આ બેદરકારીના જુલાઈ 2018ના કેસમાં અમદાવાદના ગ્રાહક કમિશને ઈન્ટરગ્લોબ એવિયેશન લિ.- ઈન્ડિગોને રૂ. 5 હજાર દંડ ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું હતું કે, એરલાઈન્સની ફરજ છે કે, જરૂરી તમામ સફાઈ હોવી જરૂરી છે, જો કોઈ ડાઘા હોય તો ફ્લાઈટ ઉપાડતાં પહેલાં તેનો નિકાલ થવો જરૂરી હતો. ફરિયાદીએ પોતાનો પ્રવાસ પૂરો કર્યો હોવાથી ટિકિટ ભાડાંના રિફંડની દાદ મળવા પાત્ર નથી. એકંદરે ગંદકીમાં મુસાફરી કરવી પડી તે બદલ ગ્રાહકને વળતર ચૂકવી આપવા કંપનીને હુકમ કરાયો છે.
અમદાવાદના મણિનગર ખાતે રહેતા ફરિયાદી મધીશ તરફથી એવો મુદ્દો રજૂ કરાયો હતો કે, બેંગ્લોરથી અમદાવાદની તા. 21-07-2018ની ફ્લાઈટમાં મુસાફરી વખતે સીટ ઉપર ડાઘા હતા, જેની ફરિયાદ પછીયે પગલાં લેવાયા નહોતા, આ અંગેના ફોટોગ્રાફ પણ રજૂ કરાયા હતા. બીજી તરફ એરલાઈન્સ તરફથી દલીલ હતી કે, ગંદકી દૂર કરવા માટે પ્રયાસ કરાયો હતો, ફરિયાદીને અન્ય સીટ આપવાની પણ ઓફર કરાઈ હતી. જરૂરી પુરાવા આધારે અંતે સ્વચ્છતાના અભાવને લઈ એરલાઈન્સને દંડ કરાયો છે. ફરિયાદીને 5 હજાર નવ ટકાના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવા એરલાઈન્સને હુકમ કરાયો છે.