મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર
બે નંબરના ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી હોવાના આક્ષેપ : જિલ્લા પોલીસ વડાને રજૂઆત
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી જિલ્લામાં રાષ્ટ્રભક્ત તરીકેની છબી ઊભી કરનાર અજય લોરીયા વિરુદ્ધ સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો મળીને 2000 લોકોએ મોરબી એસપી કચેરીમાં રજૂઆત કરી છે. અજય લોરીયાની ‘ક્રાઈમ કુંડળી’ રજૂ કરીને જિલ્લામાં ચાલતા અનેક બે નંબરના ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં તેની ભાગીદારી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 29 માર્ચે 25 લાખની લેતીદેતીમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પર હુમલાના કેસમાં કોર્ટે આજે લોરીયાને જેલ હવાલે કર્યો છે.
પાટીદાર સમાજ અને ઉદ્યોગકારોએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે, જેથી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ, પાટીદાર અગ્રણી મનોજ પનારા સહિતના આગેવાનોએ એસપી કચેરીએ પહોંચીને શેખર આદ્રોજાના નામની લેખિત અરજી પણ આપી હતી. આ અરજીમાં જણાવાયું છે કે, લોરીયાએ શેખર આદ્રોજાની જેમ અનેક લોકોના પૈસા લઈને પરત કર્યા નથી અને પૈસા માંગનારને ધાકધમકી આપી, લુખ્ખાગીરી કરી તેમજ હુમલા કર્યા છે. જોકે, ઘણા લોકો ડરના કારણે ફરિયાદ કરવા તૈયાર થતા નથી.
રજૂઆતમાં અજય લોરીયા પર ક્રિકેટનો સટ્ટો રમાડવો, એમ.સી.એક્સ.ના ગેરકાયદેસર વાયદા લેવા, ડબ્બા ટ્રેડિંગ, બાયો ડીઝલ વેચવું, હનીટ્રેપ કરવી, કિંમતી જમીન પર કબજા કરવા, ગુંડાગીરી, ગોવામાં ગેરકાયદેસર જુગાર રમાડવો, દારૂ વેચતા બુટલેગરોને ટેકો આપવો અને અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના ઘર બરબાદ કરવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
આક્ષેપ કરનારાઓએ જણાવ્યું કે, અજય લોરીયા રાજકીય વગ અને સામાજિક પ્રવૃત્તિઓના ઓઠા હેઠળ અનેક ખોટા ધંધા કરે છે. તે પોતાને રાષ્ટ્રભક્ત બતાવે છે, પરંતુ તેની તમામ પ્રવૃત્તિઓ દેશદ્રોહી જેવી છે. વધુમાં, તે ધર્મપ્રેમી હોવાનો ઢોંગ કરીને વિધર્મીઓ સાથે ગેંગ બનાવીને અનેક પાટીદાર યુવાનોને સટ્ટાના રવાડે ચડાવી તેમની જિંદગી બરબાદ કરી છે.
મનોજ પનારાએ જણાવ્યુ હતું કે, બાવળને આંબો સમજીને પાણી આપણે પાયું છે જો કે, હવે તેને કાપવાની જવાબદારી આપણી જ છે કેમ કે, જેટલા પણ બે નંબરના ધંધા છે તેમાં અજય લોરિયાનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે જેથી તેની ક્રાઇમ કુંડળી એસપીને આપવામાં આવેલ છે.


