મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
૨૫ લાખની ઉઘરાણીમાં કારખાનેદારના હાથ ભાંગી નાંખ્યાની ફરિયાદમાં કાર્યવાહી
અગ્ર ગુજરાત, મોરબી
મોરબીમાં રૂપિયા 25 લાખની ઉઘરાણીના મામલે ઉદ્યોગપતિ પર થયેલા જીવલેણ હુમલાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના એવન્યુ પાર્ક વિસ્તારમાં રહેતા મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલક શેખરભાઈ રતીલાલભાઈ આદ્રોજાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી અજય લોરીયા પાસેથી તેમને છેલ્લા ઘણાં સમયથી રૂપિયા 25 લાખ લેવાના હતા. વારંવાર માંગણી છતાં આરોપી પૈસા ચૂકવવામાં ટાળમટોળ કરતો હતો.
ગઈકાલે પૈસા પરત આપવાનો વાયદો કર્યા બાદ પણ રૂપિયા ન મળતા શેખરભાઈએ રાત્રે ફોન કરતા આરોપીએ તેમને સરદારબાગ નજીક ભારત ટ્રાન્સપોર્ટના ગોડાઉન ખાતે બોલાવ્યા હતા.
ફરિયાદી શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા સાથે ઈનોવા કારમાં ત્યાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં અગાઉથી જ હાજર આરોપી અજય લોરીયા અને એક અજાણ્યા શખ્સે મર્સિડીઝ કારમાંથી ધોકો કાઢી બંને પર તાબડતોબ હુમલો કર્યો હતો. હુમલામાં શેખરભાઈના બંને હાથમાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે જયેશભાઈના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા સીટી ‘એ’ ડિવિઝન પોલીસએ અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા આરોપી સામે ગુનો નોંધ્યો હતો. DySP જે.એમ. આલના જણાવ્યા મુજબ, આ ગુન્હામાં મુખ્ય આરોપી અજય લોરીયાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત હુમલામાં વપરાયેલા હથિયાર (ધોકા) અને મર્સિડીઝ કાર પણ કબ્જે લેવામાં આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અજાણ્યા સાથીદારની શોધખોળ ચાલી રહી છે.


