- વાસ્મોએ નનૈયો કર્યા બાદ અનુદાન, દાન અને સ્વૈચ્છિક ખર્ચે 3 હજાર વોટર મીટર ખરીદ કરાશે
- સરકારની WASMO યોજનામાં પાણીના મીટર મેળવવા અંગે દરખાસ્ત
- ગામમાં 3,000 મીટર નાખવા 90 લાખ રૂપિયા જેટલી રકમની જરૂરિયાત
ચરોતરનું પેરિસ ગણાતા ભાદરણમાં ગાયકવાડી સમયથી ગટર વ્યવસ્થા આવેલી છે. ગ્રામ પંચાયત ભાદરણ દ્વારા સરકારની WASMO યોજનામાં પાણીના મીટર મેળવવા અંગે દરખાસ્ત કરવામાં આવેલ હતી. પરંતુ WASMO દ્વારા મીટર ન ફાળવતા નવેસરથી આયોજન કરવામાં આવ્યું છે. જે બાબતે તલાટી કમ મંત્રી ધવલસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા 15મું નાણાપંચ ગ્રામ્ય કક્ષામાં કુલ મળતી 33 લાખ જેટલી ગ્રાન્ટમાંથી 22 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું આયોજન ફક્ત વોટર મીટર માટે કરેલ છે.
ગામમાં આ 3,000 મીટર નાખવા માટે 90 લાખ રૂપિયા જેટલી માતબર રકમની જરૂરત છે. ગ્રામ પંચાયત આર્થિક રીતે નબળા વિસ્તારોમાં ગ્રાન્ટમાંથી વોટર મીટર તથા આર્થિક રીતે સંપન્ન વિસ્તારોમાં સ્વખર્ચે તેમજ આર્થિક રીતે સગવડ ન હોય તેના માટે ભાદરણ પીપલ્સ બેંક દ્વારા નાણાકીય સહાયથી વોટર મીટર વ્યવસ્થા કરાશે. ભાદરણમાં ગ્રામજનોને 24 કલાક અવિરત પાણી પૂરૂ પાડવામાં આવે તેવી યોજના છે. સાથે સાથે મીટરને કારણે પાણીનો વ્યય ઘટશે.
પાણીનો વ્યય અટકાવી શકાશે
રેડિયો ફ્રિકવન્સીથી ચાલતા વોટર મીટર નાખવાથી પાણીના મીટરને રીડિંગ કરવાના તથા રીડિંગ કરવા માટે માણસો રાખવાના પ્રશ્નનું નિરાકરણ આવી જશે. વોટર મીટર ઓટોમેટીક હોવાને કારણે ગ્રામ પંચાયત ખાતે જ એક ક્લિકમાં તમામ માહિતી જોઈ શકાશે તથા નવતર પ્રયોગ અને વ્યવસ્થાથી જો કોઈ જગ્યાએ અવિરત પાણીનો પ્રવાહ વહી રહ્યો હોય, લાઈન તૂટેલી હોય, નળ ન હોય તો પણ તરત જ જાણકારી મળી જશે.