- પહેલી ફેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં જાહેરાત થઇ શકે
- યુપીમાં સૌથી વધુ 4.83 કરોડ આયુષ્માન કાર્ડધારકો
- યોજનાના લાભાર્થીઓ બમણા કરીને 100 કરોડે પહોંચાડવા પણ વિચારણા
કેન્દ્ર સરકાર 2024-25થી આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ પરિવારદીઠ વાર્ષિક ઇન્શ્યોરન્સ કવર બમણું કરીને 10 લાખ રૂપિયા કરવાની દરખાસ્તને અંતિમ ઓપ આપવા પર કામ કરી રહી હોવાના અહેવાલ છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યાનુસાર સરકાર આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ ઇન્શ્યોરન્સ કવર બમણું કરીને કેન્સર તેમજ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા મોંઘી સારવારવાળા ગંભીર રોગોને આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવાનું સુનિશ્ચિત કરવા માગે છે. આ સંબંધમાં પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં જાહેરાત થવાની શક્યતા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય આગામી ત્રણ વર્ષમાં કિસાન સમ્માન નિધિના લાભાર્થીઓ, બાંધકામ શ્રમિકો, નોન-કોલ માઇન વર્કર્સ તથા આશા વર્કર્સને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PMJAY) હેઠળ આવરી લેવાના હેતુથી આ યોજનાના લાભાર્થીઓ બમણા કરીને 100 કરોડે પહોંચાડવા પણ વિચારણા કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 79, 157 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ 6.2 કરોડ જેટલા હોસ્પિટલાઇઝ દર્દીઓને વિના મૂલ્યે સારવાર મળી ચૂકી છે.
યુપીમાં સૌથી વધુ 4.83 કરોડ આયુષ્માન કાર્ડધારકો
આયુષ્માન ભારત યોજનાએ ગત 12 જાન્યુઆરીએ 30 કરોડ આયુષ્માન કાર્ડ જનરેટ કરવાનું સીમાચિહન હાંસલ કર્યું હતું. સર્વાધિક આયુષ્માન કાર્ડધારકોની દૃષ્ટિએ ઉત્તરપ્રદેશ 4.83 કાર્ડધારકો સાથે મોખરે છે. મધ્યપ્રદેશ 3.78 કરોડ અને મહારાષ્ટ્ર 2.39 કરોડ કાર્ડધારકો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. 11 રાજ્યો એક કરોડથી વધુ કાર્ડધારકો ધરાવે છે.


