- નિર્ધારિત સમય 0-0થી ડ્રો રહ્યો
- લાયોનલ મેસ્સીએ ગોલ કરવાની બે તક ગુમાવી
- મેચની 80મી મિનિટે ગોલકીપર શોતા આરિયાએ તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો
હોંગકોંગમાં સમર્થકોને નિરાશ કર્યા બાદ લાયોનલ મેસ્સી વિસ્સેલ કોબે સામે ઇન્ટર માયામીનો એક્ઝિબિશન મેચની અંતિમ 30 મિનિટ માટે મેદાનમાં ઊતર્યો હતો પરંતુ તેની હાજરી ટીમને વિજય અપાવી શકી નહોતી. મેસ્સી પાસે આ મેચમાં ગોલ કરવાની બે તક હતી જે બંને વેડફાઈ ગઈ હતી. મેચની 80મી મિનિટે ગોલકીપર શોતા આરિયાએ તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. બીજા પ્રયાસમાં વિસ્સેલ કોબેની ડિફેન્સ હરોળે મેસ્સીને ગોલથી વંચિત રાખ્યો હતો. નિર્ધારિત સમય 0-0થી ડ્રો રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવામાં આવ્યો હતો જેમાં વિસ્સેલ કોબેએ 4-3થી વિજય મેળવ્યો હતો. મેસ્સીએ પેનલ્ટી કિક લગાવી નહોતી જેના કારણે સ્ટેડિયમમાં હાજર રહેલા લગભગ 29 હજાર સમર્થકોએ નિરાશ થઈને તેનો હૂરિયો બોલાવ્યો હતો. જોકે આ હૂટિંગ હોંગકોંગમાં રમાયેલી મેચ કરતાં ઓછી હતી જ્યાં મેસ્સી મેદાનમાં પણ ઊતર્યો નહોતો. મેચ નહીં રમવાના કારણે મેસ્સી અને ઇન્ટર માયામીની હોંગકોંગ સરકાર અને તેના સમર્થકોએ આકરી ઝાટકણી કાઢી હતી.
મેસ્સીએ મંગળવારે ટીમના અભ્યાસ દરમિયાન ઈજાના કારણે કોઈ મુશ્કેલી નડતી નથી તેવો સંકેત આપ્યો હતો અને ફિટનેસ હાંસલ કર્યા બાદ તે વિસ્સેલ કોબે સામેની મેચ માટે મેદાનમાં ઊતર્યો હતો. માયામીના કોચ ગેરાર્ડો માર્ટિનોએ જણાવ્યું હતું કે મેચની પૂર્વસંધ્યાએ પોતે રાહત અનુભવી રહ્યો છે અને પોતે મેચ રમવા માટે તૈયાર છે તેવો મેસ્સીએ સંકેત આપ્યો હતો જેના કારણે તેને મેચના અંતિમ અડધા કલાક માટે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.


