- IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો
- ડેવોન કોનવે અંગૂઠામાં ઈજાના કારણે IPLમાંથી બહાર
- ડેવોન કોનવે જગ્યાએ રચિન રવિન્દ્ર કરી શકે છે ઓપનિંગ
IPL 2024 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓપનર ડેવોન કોનવે અંગૂઠામાં ઈજાના કારણે IPL 2024ના પ્રથમ તબક્કામાંથી બહાર થઈ ગયો છે. જે બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ સામે મોટો સવાલ એ છે કે ડેવોન કોનવેની જગ્યાએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કોણ ઓપનિંગ કરશે? જે બાદ હવે CSK માટે ઓપનિંગ કરવા માટે એક યુવા ખેલાડીનું નામ સામે આવી રહ્યું છે.
ન્યુઝીલેન્ડના અન્ય એક ખેલાડીને મળશે જવાબદારી
ન્યૂઝીલેન્ડના ડાબા હાથના સ્ટાર બેટ્સમેન ડેવોન કોનવેના CSKમાંથી બહાર થવાના કારણે હવે તેના સ્થાને CSK માટે ઓપનિંગ કરવા માટે ન્યૂઝીલેન્ડના યુવા બેટ્સમેન રચિન રવિન્દ્રનું નામ સૌથી પહેલા લેવામાં આવી રહ્યું છે.રચિન રવિન્દ્રએ ODI વર્લ્ડકપ 2023માં ન્યૂઝીલેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેણે પોતાના બેટથી 2 સદી પણ ફટકારી હતી. ત્યારથી IPLમાં ફ્રેન્ચાઈઝીની નજર રચિન રવિન્દ્ર પર ટકેલી હતી.
IPL 2024ની હરાજી દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ આ કિવી બેટ્સમેનને ખરીદવામાં સફળ રહી હતી. જે બાદ હવે રચિન રવિન્દ્રને IPL 2024માં ઋતુરાજ ગાયકવાડ સાથે CSK માટે ઓપનિંગ કરવાની જવાબદારી મળી શકે છે. IPL 2024 22 માર્ચથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે.
રચિન રવિન્દ્રની ક્રિકેટ કારકિર્દી
રચિન રવિન્દ્ર પ્રથમ વખત IPL રમતા જોવા મળશે. આવી સ્થિતિમાં એમએસ ધોનીની ટીમ CSKને રચિન પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. રચિન રવિન્દ્રની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી અત્યાર સુધી ઘણી શાનદાર રહી છે. રચિને ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 6 ટેસ્ટ, 25 વનડે અને 20 T20 મેચ રમી છે. રચિને 6 ટેસ્ટ મેચમાં બેટિંગ કરતા 433 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી એક સદી અને એક ફિફ્ટી આવી છે. આ સિવાય રચિને 25 ODI મેચોમાં 820 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે પોતાના બેટથી 3 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે. રચિને 20 T20 મેચમાં 214 રન બનાવ્યા છે. આ દરમિયાન રચિને એક ફિફ્ટી ફટકારી છે.


