ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું લિસ્ટ જાહેર કર્યું છે, ત્યારબાદ હવે પુરુષ ક્રિકેટરોનો વારો છે. આ અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અંગે BCCI સેક્રેટરી દેવજીત સૈકિયા રવિવારે IPL 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છે. સામાન્ય રીતે IPL પહેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ આ વખતે તેમાં વિલંબ થયો છે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વિશે પૂછપરછ કરવા માટે ફોન પર કરી વાત
આ પહેલા ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર નિર્ણય લેવા માટે ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થવાની રાહ જોઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાતમાં વિલંબ થયો કારણ કે ભારતના મુખ્ય કોચ ગંભીર ચર્ચા માટે ઉપલબ્ધ ન હતા. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે BCCIના એક અધિકારીએ ટીમ મેનેજમેન્ટ અને મુખ્ય પસંદગીકાર સાથે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ વિશે પૂછપરછ કરવા માટે ફોન પર વાત કરી છે.
30 માર્ચે યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક
રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ હજુ સુધી કરાર પર સહમતિ પર પહોંચ્યા નથી. પરંતુ આ સસ્પેન્સ 30 માર્ચે યોજાનારી બેઠકમાં સમાપ્ત થઈ શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગંભીરના સપોર્ટ સ્ટાફમાં ઘટાડો થઈ શકે છે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ, જે છેલ્લા ચાર વર્ષથી ટીમ સાથે છે, તેમનું પદ છોડી શકે તેવી શક્યતા છે. આ સિવાય ગંભીર, બોલિંગ કોચ મોર્ને મોર્કેલ, સહાયક કોચ રાયન ટેન ડોશેટ અને અભિષેક નાયર સહિત અન્ય સભ્યોના કરાર અકબંધ રહેવાની અપેક્ષા છે.


