IPL 2025માં રવિવારે પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચને ‘એલ-ક્લાસિકો’ પણ કહેવામાં આવે છે કારણ કે IPL ની શરૂઆતથી જ બંને ટીમો વચ્ચે જબરદસ્ત હરીફાઈ રહી છે. ચાહકો આ મેચની આતુરતાથી રાહ જુએ છે કારણ કે આ સમય દરમિયાન ઉત્સાહ કંઇક અનેરો જ હોય છે. આ મેચ શરૂ થાય તે પહેલા ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે.
તો પડી શકે વરસાદ !
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર 23 માર્ચે ચેન્નાઈમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ અને 35 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. જોકે, મેચ દરમિયાન વરસાદની શક્યતા માત્ર 20 ટકા છે.
મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે
જો સાંજે વરસાદ પડે તો ભીના આઉટફિલ્ડને કારણે મેચ મોડી શરૂ થઇ શકે છે. અથવા તો ઓવર ઘટી શકે છે. આ મેચની જેમ જ કેકેઆર અને આરસીબીની મેચમાં વરસાદનો ખતરો જોવા મળ્યો હતો. પરંતુ મેચ દરમિયાન વરસાદ પડ્યો ન હતો.
જો મેચ રદ થાય તો શું થશે?
જો વરસાદને કારણે મેચ રદ થાય અથવા કોઈ પરિણામ ન આવે તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પ્રતિબંધને કારણે આ મેચમાં રમી શકશે નહીં. આમ થવા પર સૂર્યકુમાર યાદવ મુંબઈ તરફથી કમાન સંભાળશે, જ્યારે ચેન્નાઈની કમાન ઋતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે. સૂર્યકુમાર યાદવ હાલમાં T-20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન છે અને તેમણે મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ પણ કર્યું છે.


