IPL 2025ની 63મી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. અત્યાર સુધીમાં ત્રણ ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂકી છે, બીજી તરફ 5 ટીમો બહાર થઈ ગઈ છે. હાલમાં, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બનવા માટે જંગ ચાલી રહ્યો છે.
આજે મુંબઈમાં વરસાદની શક્યતા હોવાથી, મુંબઈ-દિલ્હી મેચ રદ્દ જાહેર થઈ શકે છે. અહીં જાણો જો MI Vs DC મેચ રદ્દ થાય તો પ્લેઓફ સમીકરણ શું હશે?
તમને જણાવી દઈએ કે પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે. જેનાથી આપણને દિલ્હી અને મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓનો ખ્યાલ આવશે. મુંબઈના હાલમાં 12 મેચોમાં 14 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.156 છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ પાસે 12 મેચોમાં 13 પોઈન્ટ છે પરંતુ તેમનો નેટ રન-રેટ મુંબઈ (+0.260) કરતા ઘણો ઓછો છે. MI અને DC હાલમાં અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
જો મેચ રદ્દ થાય તો શું થશે?
જો મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ થાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે. આ સ્થિતિમાં મુંબઈના 15 પોઈન્ટ અને દિલ્હીના 14 પોઈન્ટ રહેશે. જો આ મેચ રદ્દ થાય છે, તો પ્લેઓફમાં પહોંચવાની તેમની આશા આગામી મેચો પર નિર્ભર રહેશે. તમને જણાવી દઈએ કે દિલ્હી અને મુંબઈ બંને ટીમો લીગ સ્ટેજમાં પંજાબ કિંગ્સ સાથે છેલ્લી મેચ રમી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સની વાત કરીએ તો, આજની મેચ રદ્દ થયા પછી, જો મુંબઈ આગામી મેચમાં પંજાબ કિંગ્સને હરાવે છે, તો તે 17 પોઈન્ટ સાથે સીધા પ્લેઓફમાં જશે. બીજી તરફ, આજની મેચ રદ્દ થયા પછી, જો દિલ્હી પ્લેઓફમાં જવા માંગે છે, તો તેને દરેક કિંમતે પંજાબ કિંગ્સને હરાવવું પડશે, અને એવી પણ આશા રાખવી પડશે કે MI તેની છેલ્લી મેચ પંજાબ સામે હારી જાય.


