ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સનું નામ સાંભળતાની સાથે જ સચિન તેંડુલકર, રોહિત શર્મા, કાયરન પોલાર્ડ જેવા દિગ્ગજ ખેલાડીઓના નામ સામે આવે છે. પરંતુ આ ટીમની સફળતામાં સૂર્યકુમાર યાદવનો પણ મોટો ફાળો છે.
સૂર્યકુમાર યાદવ વર્તમાન સિઝનમાં પણ શાનદાર ફોર્મમાં છે. તેને સિઝનની દરેક મેચમાં રન બનાવ્યા છે. ગુજરાત ટાઈટન્સ સામે પણ સૂર્યાએ શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ દરમિયાન, તેને એક એવી સિદ્ધિ હાંસિલ કરી જે આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કોઈ બેટ્સમેન કરી શક્યો ન હતો. તેને એક ખાસ લિસ્ટમાં સચિન તેંડુલકર જેવા દિગ્ગજ ખેલાડીને પાછળ છોડી દીધો.
સૂર્યાએ સચિન તેંડુલકરને છોડ્યો પાછળ
આ મેચમાં સૂર્યકુમાર યાદવે 145.83 ના સ્ટ્રાઈક રેટથી 24 બોલમાં 35 રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન, તેના બેટમાંથી 5 ચોગ્ગા જોવા મળ્યા. આ સાથે, સૂર્યાએ આ સિઝનમાં તેના 500 રન પણ પૂર્ણ કર્યા. તેને 12 મેચમાં 510 રન બનાવ્યા છે. જેમાં 3 અડધી સદીનો સમાવેશ થાય છે. આ સાથે, તે IPL ની ત્રણ અલગ અલગ સીઝનમાં 500 થી વધુ રન બનાવનાર મુંબઈ ઈન્ડિયન્સનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
આ પહેલા તેને 2018 અને 2023 સીઝનમાં પણ 500 થી વધુ રન બનાવ્યા હતા. સૂર્યકુમારે 2018ની સીઝનમાં 512 રન બનાવ્યા હતા. જેમાં તેને ચાર અડધી સદી ફટકારી અને પોતાની 360 ડિગ્રી બેટિંગનું પ્રદર્શન કર્યું. આ પછી, 2023 માં, તેને 605 રન બનાવ્યા, જેમાં તેની પ્રથમ IPL સદીનો સમાવેશ થાય છે. આ સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ 181.13 હતો, જે તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે.
સૂર્યકુમાર યાદવ પહેલા સચિન તેંડુલકર અને ક્વિન્ટન ડી કોકની બરાબરી પર હતા. આ બંને ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સ માટે 2-2 વખત આ સિદ્ધિ મેળવી છે. પરંતુ સૂર્યાએ હવે આગેવાની લીધી છે. સચિન તેંડુલકરે તેની કારકિર્દીમાં બે વાર (2010 અને 2011) 500+ રન બનાવ્યા. તેને એક વાર ઓરેન્જ કેપ પણ જીતી હતી. બીજી તરફ, ક્વિન્ટન ડી કોકે 2019 અને 2020 માં 500 થી વધુ રન બનાવ્યા.
આ લિસ્ટમાં સૂર્યકુમાર યાદવ ટોપ પર
સૂર્યકુમાર યાદવે આ સિઝનમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે અને બધી મેચોમાં 25+ રન બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે, સૂર્યા આઈપીએલના ઈતિહાસમાં એકમાત્ર ખેલાડી છે જેને સતત 12 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. તેના સિવાય, અન્ય કોઈ બેટ્સમેન સતત 10 થી વધુ ઈનિંગ્સ માટે આ કરી શક્યો નથી. બીજી તરફ, સૂર્યાએ ફરી એકવાર ઓરેન્જ કેપ લિસ્ટમાં લીડ મેળવી છે.


