રોહિત શર્માએ તાજેતરમાં જ પોતાની ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહ્યું છે, તે T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં, રોહિત હવે ફક્ત ODI મેચ રમશે. ‘હિટમેન’ હાલમાં IPL 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે, જેમાં તેને 11 મેચમાં 300 રન બનાવ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ IPL 2025ના અંત પછી રોહિતના લેફ્ટ હેમસ્ટ્રિંગ પર સર્જરી થઈ શકે છે. કારણ કે રોહિત હવે ફક્ત ODI મેચ રમશે અને ટીમ ઈન્ડિયાની આગામી ODI સિરીઝ બાંગ્લાદેશ સામે છે, જે 17 ઓગસ્ટથી શરૂ થશે.
રોહિત શર્મા આ કારણે સહન કરી રહ્યો છે ઈજા
IPL 2025 3 જૂને સમાપ્ત થશે અને તે પછી રોહિતને સર્જરીમાંથી સ્વસ્થ થવા માટે લગભગ અઢી મહિનાનો સમય મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ “જો રોહિત શર્મા 2027 વર્લ્ડકપમાં રમવા માંગે છે, તો આ તેની સર્જરી માટેનો બેસ્ટ સમય છે. કેપ્ટન તરીકેની જવાબદારીને કારણે રોહિત ઘણા વર્ષોથી આ ઈજા સહન કરી રહ્યો છે, પરંતુ નિવૃત્તિ પછીનું શેડ્યુલ તેને સર્જરીમાંથી સ્વસ્થ થવામાં મદદ કરશે.” આ બાબતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કે રોહિત શર્મા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
રોહિતે હજુ સુધી સર્જરી કેમ નથી કરાવી?
રોહિત શર્માએ સર્જરી કરાવવામાં કેમ મોડું કર્યું? મીડિયા રિપોર્ટ મુજબ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપને કારણે તેમના ખભા પર જવાબદારીઓનો ભાર હતો. હવે તેને ફક્ત ODI ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તેથી રોહિત IPL 2025 પછી મળેલા બ્રેકનો ફાયદો ઉઠાવી શકે છે.
તમને જણાવી દઈએ કે રોહિત શર્મા સમગ્ર IPL 2025 દરમિયાન એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો છે. તે આવું કેમ કરી રહ્યો છે તેનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ હેમસ્ટ્રિંગની ઈજા આનું એક મુખ્ય કારણ હોઈ શકે છે.


