દુ: ખ જો વાસ્તવિકતા હોય અને જો તે કેવળ શબ્દ ન હોય તો હવે તે શબ્દનો કોઈ અર્થ નથી. હવે તે માત્ર તીવ્ર પીડાની લાગણી જ છે. કઈ બાબતના સંદર્ભમાં?
મનમાં રહેલી કોઈ છાપના સંદર્ભમાં, અનુભવના સંદર્ભમાં, તમારી પાસે કંઈક છે કે કંઈક નથી તેના સંદર્ભમાં, જો તે તમારી પાસે હોય તો તમે તેને મોજમજા-આનંદ કહો છો અને જો તે તમારી પાસે ન હોય તો તમે તેને પીડા કહો છો. તેથી પીડા, દુ:ખ હંમેશાં બીજી કોઈ વસ્તુ સાથે જોડાયેલું હોય છે. આ કંઈક માત્ર શબ્દ છે કે વાસ્તવિકતા છે? જેમ ભય એકલો અસ્તિત્વ ધરાવી શકે નહીં, તેમ દુ:ખ પણ એકલું અસ્તિત્વ ધરાવી શકે નહીં. તે બીજી કોઈ વસ્તુના સંબંધમાં જ અસ્તિત્વ ધરાવી શકે. જેમ કે, કોઈ વ્યક્તિના, કોઈ ઘટનાના, કોઈ લાગણીના સંબંધમાં જ અસ્તિત્વ ધરાવી શકે. હવે તમે દુ:ખથી પૂરેપૂરા સભાન છો, શું એ દુ:ખ તમારાથી અલગ છે અને એટલે તમે માત્ર એવા નિરીક્ષક છો કે જે દુ:ખ ભોગવે છે કે તે દુ:ખ તમે ખુદ છો?
તમારું હોવાપણું અને ન હોવાપણું એક જ છે
તમે કંઈ જ નથી. તમારે તમારું નામ અને હોદ્દો હોય, તમારી પાસે સંપત્તિ અને બેંકમાં ખાતું હોય, તમારી પાસે કદાચ સત્તા હોય અને તમે પ્રખ્યાત હો, પરંતુ આ બધી સુરક્ષા હોવા છતાં તમે કંઈ નથી. તમે કદાચ આ ન હોવાપણાથી બિલકુલ અજાણ હો એમ બને અથવા તમે તેને જાણવા જ ન ઈચ્છતા હો તેમ બને, પરંતુ તે (ન હોવાપણું) ત્યાં રહે છે. ભલે તેને ટાળવા માટે તમારે જે કરવું હોય તે કરો. તમે તેનાથી ભાગી છૂટવા જુદા જુદા પ્રયત્ન કરો, વ્યક્તિગતપણે કે સામૂહિકપણે હિંસા કરો, ભક્તિ કરો, જ્ઞાન કે મનોરંજન દ્વારા તેને ભૂલવાનો પ્રયત્ન કરો. તમે નિદ્રાધીન હો કે જાગ્રત, પરંતુ તે તો હંમેશાં ત્યાં રહે જ છે. તમારા આ ખાલીપા સાથેના તમારા સંબંધોને, વ્યર્થતા અને ખાલીપાના ભયને તમે પલાયનવૃત્તિ પ્રત્યે પસંદગી રહિતની સભાનતા રાખીને જ જાણી શકો. તમે કોઈ અલગ અસ્તિત્વ ધરાવતી વ્યક્તિ તરીકે તેની સાથે સંબંધિત નથી. તમે તેનું નિરીક્ષણ કરતા હો તેવા નિરીક્ષક નથી. તમારા વગર, એ વિચારક વગર, એ નિરીક્ષક વગર તે છે જ નહીં. તમારું હોવાપણું અને ન હોવાપણું એક જ છે; વ્યર્થતા ને તમે એક જ છો. સંયુક્ત અસ્તિત્વ ધરાવો છો, તમે અને વ્યર્થતા એક જ તત્ત્વ છો, તે બે અલગ પ્રક્રિયાઓ નથી. જો તમે તેનાથી ગભરાતા હો ને જો તમે એમ સમજીને તેની પાસે જતા હો કે તે તમારી વિરુદ્ધનું છે તો તમે તેના વિશે જે કંઈ કરશો તે તમને અનિવાર્યપણે ભ્રાંતિ તરફ લઈ જશે અને તેનાથી વધારે સંઘર્ષ તથા આપત્તિ ઉદ્ભવશે. જ્યારે વિચારક પોતાને પોતાના વિચારથી અલગ માનીને તેની પાસે જાય ત્યારે જ ભય અસ્તિત્વ ધરાવે છે અને એમ તે તેની સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે છે. હવે તમારી વ્યર્થતાનો અનુભવ તમે સ્વયં છો એ શોધ તમે કરી છે, એટલે ભય સંપૂર્ણપણે છૂટી જાય છે.


