મધ્ય પ્રદેશમાં વીજળીની ચોરી હવે એટલી સામાન્ય બની ગઈ છે કે, પરંપરાગત રીતો અસરકારક રહી નથી. આ સમસ્યાને મૂળમાંથી દૂર કરવા માટે, વીજ વિભાગ દ્વારા એક નવતર માર્ગ અપનાવવામાં આવ્યો છે. વીજ ચોરી રોકવા માટે સરકારે જનતાની ભાગીદારી મેળવવા એક પહેલ શરૂ કરી છે. લોકોને પ્રોત્સાહિત કરવા માટે, વીજ વિભાગે ‘V-Mitra’ નામની એક ખાસ એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા વીજચોરીની ફરિયાદ નોંધાવનાર નાગરિકોને આકર્ષક ઈનામ આપવામાં આવશે.
નામ ગુપ્ત રાખવામાં આવશે
V-Mitra એપની સૌથી મોટી વિશેષતા એ છે કે, ફરિયાદ કરનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવે છે. તમારે માત્ર એપ ખોલીને ચોક્કસ લોકેશન અને વીજચોરીની વિગતો દાખલ કરવાની છે. કોઈપણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી, કારણ કે સિસ્ટમ ફરિયાદકર્તાને ટ્રેક કરતી નથી.
તસવીર અને લોકેશન સાથે પૂરતા પુરાવા આપવા પડશે
આ પ્લેટફોર્મ માત્ર વીજચોરી માટે જ નહીં, પણ ટેક્નિકલ સમસ્યાઓ જેમ કે ખોટું જિયો-ટેગિંગ, લાઇન લોડની ગેરમેળવણી અને ટ્રાન્સફોર્મર લિંકની સમસ્યાઓની જાણ કરવા માટે પણ છે. યુઝર ફોટો અને લોકેશન જેવા પુરાવા પણ જોડી શકે છે, જેથી વીજ વિભાગની ટીમ સ્થળની સ્થિતિ સ્પષ્ટ રીતે સમજી શકે. એકવાર ફરિયાદ નોંધાયા પછી, ટીમ તાત્કાલિક તપાસ શરૂ કરે છે, અને સાચી માહિતી મળતાં જ ઝડપી કાર્યવાહી કરવામાં આવે છે.
વીજ ચોરીની જાણકારી સામે ઈનામની યોજના
તમારી સાચી અને સચોટ ફરિયાદ પર કાર્યવાહી થતાં જ તમને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. વીજ ચોરી જેવી કે લાઇન, કનેક્શન અથવા લોડમાં ગેરરીતિ પ્રતિ કિલોવોટ પકડાશે તો તમને રૂપિયા 10 થી રૂપિયા 25 સુધીનું ઈનામ આપવામાં આવશે. આ સાથે મોટા પાયે વીજ ચોરીના કિસ્સાઓમાં આકર્ષક પુરસ્કારની જોગવાઈ કરવામાં આવી છે.


