- ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિનાથી યુદ્ધ યથાવત્
- બંને પક્ષે ભારે નુકસાન છતાં કોઈ હાર માનવા તૈયાર નહીં
- ઈઝરાયલે અનેક વિસ્તારો પર કબ્જો જમાવવાનું શરૂ કર્યું
છેલ્લા પાંચ મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે એક મોટો દાવો કર્યો છે. ઈઝરાયલે પશ્ચિમ કાંઠે એક મોટી યહૂદી વસાહતને અડીને આવેલા અનેક વિસ્તારો કબજે કરવાનો દાવો કર્યો હતો. જો કે મળતી માહિતી અનુસાર, હાલ ઈઝરાયેલની અહીં બાંધકામની કોઈ યોજના નથી.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જે જમીન પર કબજો કરવામાં આવ્યો છે તે પૂર્વ જેરુસલેમમાં માલે અડુમીમ સેટલમેન્ટનો ભાગ હશે. ઇઝરાયેલની સેનાએ પશ્ચિમ કાંઠે લગભગ 650 એકર જમીન પર કબજો કરવાનો દાવો કર્યો છે.
પેલેસ્ટિનિયન ઓથોરિટીના પ્રવક્તાએ કહ્યું કે ઈઝરાયેલનું આ પગલું સ્વતંત્ર પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવાની શક્યતાને નબળી પાડવાનો તેનો ઈરાદો દર્શાવે છે. રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના પ્રવક્તા નબિલ અબુ રૂદીનેહે જણાવ્યું હતું કે ઇઝરાયેલે જાણીજોઇને આંતરરાષ્ટ્રીય કાયદેસરતા અને તેના ઠરાવોની અવગણના કરી છે.
તમને જણાવી દઈએ કે વેસ્ટ બેંક ઈઝરાયેલની પૂર્વ સરહદ પર આવેલું છે. તેની સરહદોમાંથી એક જોર્ડન નદીનો પશ્ચિમ કાંઠો છે, તેથી તેને પશ્ચિમ કાંઠો કહેવામાં આવે છે. આ પેલેસ્ટાઈનનો બીજો ભાગ છે, જ્યાં 30 લાખ પેલેસ્ટાઈનીઓ રહે છે. પૂર્વ જેરુસલેમ પણ અહીં આવે છે.
ઈઝરાયેલે 1967ના યુદ્ધમાં પશ્ચિમ કાંઠા અને પૂર્વ જેરૂસલેમ પર કબજો કર્યો હતો. અહીં હજારો ઇઝરાયલીઓ વસવાટ કરી રહ્યા છે. ફતેહ ચળવળની આગેવાની હેઠળની પેલેસ્ટિનિયન ઓથોરિટી પશ્ચિમ કાંઠાના 40% હિસ્સાને નિયંત્રિત કરે છે. આ સમગ્ર વિસ્તાર 5,860 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.
ઈઝરાયેલે પશ્ચિમ કાંઠે અનેક વસાહતો સ્થાપી હોવાના અહેવાલ છે. વિશ્વના ઘણા દેશો તેમને ગેરકાયદેસર માને છે. અમેરિકા પણ તેમને ગેરકાયદે માને છે. 24 ફેબ્રુઆરીએ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું હતું કે અમેરિકા વેસ્ટ બેન્કમાં આ વસાહતોને આંતરરાષ્ટ્રીય કાયદા સાથે અસંગત માને છે.


