- નવસારી પોલીસ થઈ સતર્ક
- અલગ અલગ ટીમો બનાવી સોશિયલ મીડિયાનું મોનિટરિંગ
- સામાજિક શાંતિ ડહોળાય તેવી પોસ્ટ શેર ન કરવા સૂચના
નવસારી જિલ્લા પોલીસે ઈઝરાયેલ હમાસ યુદ્ધને લઈને મોટી સૂચના જાહેર કરી છે. સોશિયલ મીડિયામાં સામાજિક શાંતિ ડહોળાય તેવી કોઈ પણ પોસ્ટ શેર કે પોસ્ટ ન કરવા માટેની સૂચના જાહેર કરી છે.
મહત્વનું છે કે હાલના દિવસોમાં મધ્યપૂર્વમાં એક મોટું યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલ અને હમાસની વચ્ચે છેલ્લા 6 દિવસથી ઘમાસાણ જંગ ચાલી રહી છે. અલ અક્સા મસ્જિદમાં ઈઝરાયેલની કાર્યવાહીને પગલે હમાસે ઉશ્કેરાઈને આ હુમલો કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઈઝરાયેલ પર ત્રિપાંખિયો હુમલો કરી તેને હમાસે એક મોટો આંચકો આપ્યો છે અને હવે ઈઝરાયેલ પોતાના બંધકોને છોડાવવા માટે અને હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની પ્રતિજ્ઞા સાથે મેદાને પડ્યું છે અને ગાઝામાં એરસ્ટ્રાઈક કરીને આસમાનમાંથી આગ વરસાવી રહ્યું છે. ઈમારતોને કાટમાળમાં ફેરવી રહ્યું છે.
આ યુદ્ધને લઈને હાલ સમગ્ર વિશ્વ 2 ભાગમાં વહેંચાયેલું છે. જ્યાં અમુક દેશો ઈઝરાયેલનું સમર્થન કરી રહ્યા છે તો અમુક દેશો પેલેસ્ટાઈનના સમર્થનમાં ઉતર્યા છે. ભારતે પોતાનું આધિકારિક સ્ટેન્ડ ઈઝરાયેલને સમર્થન આપવાનું રાખ્યું છે. પરંતુ દેશમાં આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં કોઈ ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાયરલ ન થઈ જાય તે માટે સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટથી કોમી એખલાસ ન ખોરવાઈ જાય તેમજ લોકો વચ્ચે વૈમનસ્ય ન વધે તે માટે નવસારી પોલીસે પણ સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે જુદી જુદી ટીમો બનાવી છે.
આ મામલે નવસારી જિલ્લા પોલીસે પોતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી હતી. જેમાં લોકોને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેમને યુદ્ધને લગતી ગેરમાર્ગે દોરતી પોસ્ટને વાયરલ કરવાથી દૂર રહેવાનું છે. નહી તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ મામલે કોઈને પણ આવી શકમંદ પ્રવૃત્તિ થતી જણાય તો પોલીસ કંટ્રોલરૂમ નંબર 02637 246303 પણ જાણ કરી શકે છે.