- રવિવારે ઈઝરાયલે કરેલા હુમલા બાદ હિઝબુલ્લાએ લગભગ 320 રોકેટ કર્યા ફાયર
- મોટા હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઇઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરાઈ
- આ હુમલો કમાન્ડર ફવાદ શુકરની હત્યાનો બદલો લેવા માટે કરાયો છેઃ હિઝબુલ્લાહ
હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલ તણાવે લગભગ યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે. લેબનોન સરહદની બન્ને બાજુએ હવાઈ હુમલા થઈ રહ્યા છે. ઇઝરાયલે રવિવારની વહેલી સવારે હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ હવે હિઝબુલ્લાએ ઇઝરાયલ પર લગભગ 320 રોકેટ ફાયર કરીને જવાબ આપ્યો છે. હિઝબુલ્લાહ દ્વારા રોકેટ હુમલા પછી લેબેનોનની સરહદે ઇઝરાયલમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. IDFએ મોટા હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને સમગ્ર ઇઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.
હુઝબુલ્લાએ હુમલા બાદ આપ્યું નિવેદન
હિઝબુલ્લાહે હુમલા બાદ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ હુમલો કમાન્ડર ફવાદ શુકરની હત્યાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે. હિઝબુલ્લાએ કહ્યું કે, તેણે 300થી વધુ રોકેટ વડે ઇઝરાયલના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, હુમલાનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જે દર્શાવે છે કે હિઝબુલ્લાહના ભવિષ્યના ઈરાદાઓ વધુ ખતરનાક છે.
ઈઝરાયલના 11 ઠેકાણાઓને નિશાન બનાવાયા
હિઝબુલ્લાહે આપેલા નિવેદન અનુસાર હિઝબુલ્લાહે 11 ઇઝરાયલની સેના ઠેકાણાઓ અને બેરેક પર 320થી વધુ કાટ્યુશા રોકેટ છોડ્યા છે, જેમાં મેરોન બેઝ અને કબજા હેઠળની ગોલાન હાઇટ્સમાં ચાર સ્થળોનો સમાવેશ થાય છે. ઇઝરાયલની સેનાને પહેલાથી જ એક મોટા હુમલાની જાણ હતી, જેના માટે તેણે રવિવારની વહેલી સવારે લેબનોનમાં હિઝબુલ્લાહની ઘણા ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.
ઈઝરાયલની સુરક્ષા માટે અમેરિકા તૈયાર
ઈરાનમાં હમાસના પોલિટિકલ ચીફ ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાના કમાન્ડર ફવાદ શુક્રની હત્યા બાદ ઈરાન અને હિઝબુલ્લાએ ઈઝરાયલ પાસેથી બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ઈઝરાયલને કોઈપણ હુમલાથી બચાવવા માટે અમેરિકાએ આ વિસ્તારમાં પોતાની સેના અને યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે.
અમેરિકના રાષ્ટ્રપતિ સમગ્ર સ્થિતિ પર નજર
હિઝબુલ્લાના તાજેતરના હુમલા બાદ વ્હાઇટ હાઉસે નિવેદન આપ્યું હતું કે, અમેરિકના રાષ્ટ્રપતિ સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. અમેરિકાએ ઈઝરાયલને કોઈપણ હુમલાની સ્થિતિમાં તેની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી છે.


