- ઈરાન દ્વારા ઇઝરાયલ પર આખરે કરવામાં આવ્યો હતો હુમલો
- ઈઝરાયેલ દ્વારા બોલાવવામાં આવી વોર કેબિનેટની બેઠક
- US પ્રેસિડેન્ટ દ્વારા ઇઝરાયલના પીએમને કરવામાં આવી અપીલ
ઈરાનના હુમલા બાદ રવિવારે ઈઝરાયેલની વોર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. ઈઝરાયેલના મીડિયા અનુસાર, વોર કેબિનેટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ઈરાનના હુમલાનો ઈઝરાયેલ ચોક્કસપણે જવાબ આપશે, પરંતુ કેવી રીતે અને ક્યારે જવાબ આપવો તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. વાત જાણે એમ છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને વ્યૂહાત્મક રીતે વિચારીને જ કોઈ પણ પગલું ભરવાની સલાહ આપી છે.
ઇઝરાયેલ-ઇરાન સંકટ પર લેટેસ્ટ અપડેટ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુને કહ્યું છે કે જો ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો અમેરિકા તેમાં ઈઝરાયેલની મદદ નહીં કરે. અમેરિકાના એક ટોચના અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો અમેરિકન સેના આ હુમલામાં ઈઝરાયેલની મદદ નહીં કરે.
સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના રાજદ્વારી ગિલાડ એર્ડને UN સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાન પર કડક પ્રતિબંધો અને ઈરાની સેનાને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી હતી. ઈઝરાયેલે આરોપ લગાવ્યો કે, ‘ઈરાન આ વિસ્તાર અને વૈશ્વિક શાંતિ માટે જોખમ છે અને અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.’
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ઈરાને ઈઝરાયેલ પર દમાસ્કસમાં તેના દૂતાવાસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો. ઈરાને કહ્યું કે ‘યુએન સિક્યુરિટી કાઉન્સિલે ઈઝરાયેલની ઉશ્કેરણીજનક કાર્યવાહી સામે કોઈ પગલાં લીધાં નથી, તેથી તેમની પાસે જવાબ આપવા માટે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.’ ઈરાને એમ પણ કહ્યું કે તે સંઘર્ષને વધારવા માંગતો નથી, પરંતુ જો તેમની સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે તો તે તેનો જવાબ આપશે.
ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાએ કહ્યું કે ઈરાને ઈઝરાયેલ પર હુમલો થયો તે પહેલા જ અમેરિકાને તેની જાણકારી આપી દીધી હતી.
ભારતે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે અને ભાર મૂક્યો છે કે બંને દેશોએ વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવો જોઈએ. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ઈઝરાયેલના સમકક્ષ વિદેશ મંત્રી ઈઝરાયેલ કાત્ઝ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. ચર્ચા બાદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપતા વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ ઈઝરાયેલના વિદેશ મંત્રીના સતત સંપર્કમાં છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે દુનિયાને વધુ એક વિશ્વ યુદ્ધ પોસાય તેમ નથી. ગુટેરેસે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી કે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ન વધવો જોઈએ કારણ કે તેની સમગ્ર વિશ્વ પર નકારાત્મક અસર પડશે. પશ્ચિમ એશિયા સંકટના દ્વારે ઉભું છે.


