- નેતન્યાહૂના કારણે હમાસ સાથે કોઈની ડીલ નથી થતી તેથી બંધકોને મુક્ત નથી કરાતા : દેખાવકારો
- જેરુસલેમ અને તેલ અવીવમાં હજારોની સંખ્યામાં લોકો નેતન્યાહૂ વિરુદ્ધ માર્ગો પર ઊતરી પડયા
- હજુ પણ 130 કરતાં વધારે ઇઝરાયેલી બંધકો હમાસના કબજામાં
ગાઝામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને છ મહિના થવાના છે અને હજુ પણ બંધકોની મુક્તિના કે સીઝ ફાયરના નિર્ણયો નથી લેવાયા. ગાઝામાં અત્યાર સુધીમાં 32 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં ઇઝરાયેલની જનતા હવે ધીરજ ગુમાવી રહી છે. ઇઝરાયેલીની રાજધાની જેરુસલેમ અને તેલ અવીવમાં હજારોની સંખ્યામાં લોકો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિરુદ્ધ માર્ગો પર ઊતરી પડયા છે અને પરિસ્થિતિ બગડવા પાછળ તેમને જવાબદાર ઠરાવી રહ્યા છે. સડકો પર ઊતરેલા લોકો બેન્ઝામિન નેતન્યાહૂના રાજીનામાની સાથે ટૂંકા ગાળામાં ચૂંટણી કરાવવાની માગણી કરી રહ્યા છે.
કહેવાય છે કે હજુ પણ 130 કરતાં વધારે ઇઝરાયેલી બંધકો હમાસના કબજામાં છે. દેખાવો કરી રહેલા લોકોમાં બંધકોના સંબંધીઓ પણ સામેલ છે. જોકે, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝ ફાયર કરાવવા અને બંધકોની મુક્તિ માટેની વાતચીતનો દોર ચાલી રહ્યો છે. ઇજિપ્તની રાજધાની કાહિરામાં બંને પક્ષો વચ્ચે વાત ચાલી રહી છે, તેમાં અસ્થાયી યુદ્ધવિરામ અને બંધકોને છોડવા બાબતની સમજૂતીના પ્રયાસો થઈ રહ્યા છે. ઇઝરાયેલ અનુસાર, ગાઝામાં હમાસના કબજામાં 134 લોકો છે, જેમાં કેટલાક વિદેશી નાગરિકો પણ સામેલ છે.
16 દેખાવકારોની ધરપકડ થઈ
શનિવારે મોડી રાત્રે પોલીસે જણાવ્યું હતું કે તેઓ કાયદાવ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેખાવકારોએ રસ્તા જામ કરી દીધી છે. પોલીસે એવી પણ માહિતી આપી હતી કે પ્રદર્શનકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે થોડી ઝપાઝપી થઈ હતી તો ક્યાંક આગ ચાંપવાના બનાવ બન્યા હતા. રવિવારે સવારે તેલ અવીવ પોલીસે કહ્યું કે પ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે અને ઓછામાં ઓછા 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દેખાવકારોને 270 યુએસ ડોલરનો દંડ કર્યો છે. દેખાવો કરનારા લોકોનું કહેવું છે કે બેન્જામિન નેતન્યાહૂના કારણે જ હમાસ સાથે કોઈ પ્રકારની ડીલ નથી થઈ રહી અને તેથી તેમના સ્વજનો પાછા નથી આવી રહ્યા.
નેતન્યાહૂ રાજકીય કારણોસર નિર્ણય નહીં કરતા હોવાનો આરોપ
એક રિપોર્ટ અનુસાર, દેખાવો કરનારા લોકોએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય પણ બંધકોની મુક્તિ ઇચ્છે છે, પણ નેતન્યાહૂ એવું નથી ઇચ્છતા. તેઓ રાજકીય સ્વાર્થના કારણે યોગ્ય નિર્ણય નથી કરી શકતા. જેરુસલેમમાં પણ નેતન્યાહૂના વિરોધમાં સેંકડો લોકોએ દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલના અધિકારીઓએ કહેલું કે હમાસના નેતા યાહ્યા સિનવારના કારણે સહમત ઊભો નથી થતો; બીજી તરફ હમાસ આના માટે ઇઝરાયેલને જવાબદાર ઠરાવે છે.


