- સશસ્ત્ર પોલીસ સાથે અધિકારીઓ ત્રાટક્યા
- ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે દરોડા પાડીને કાળાનાણાં સામે ઝુંબેશ આગળ ધપાવી હતી
- કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇના દાદરમાં કોહિનૂર સ્ક્વેર ખાતે આવેલી છે
વડોદરાની ઇ વ્હિકલ ઉત્પાદક કંપની વોર્ડ વિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમીટેડ ખાતે આજે ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે દરોડા પાડીને કાળાનાણાં સામે ઝુંબેશ આગળ ધપાવી હતી. વડોદરામાં આ કંપનીની સયાજીપુરા, મકરપુરા ખાતેની ફેકટરી વડસર – હરિનગર ખાતેની હોસ્પિટલ અને કંપનીના સીએમડી યતીન ગુપ્તેના ભાયલી ખાતે દર્શનમ પ્લેન્ડોરામાં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે.
ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સયાજીપુરા- આજવારોડ ખાતે સર્વે નંબર 26-2 ખાતે કંપનીની કોર્પોરેટ ઓફિસ અને પ્લાન્ટ , મકરપુરા ખાતે ઓફિસ ખાતેથી મોટા પાયા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.આ કંપનીમાંથી જંગી પ્રમાણમાં કરચોરી ઝડપાશે તેમ જણાવાય છે.જ્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઇના દાદરમાં કોહિનૂર સ્ક્વેર ખાતે આવેલી છે.
ઇન્કમટેક્સ વિભાગના 50 ઉપરાંત અધિકારીઓની ટીમ આજે વહેલી સવારથી જ સશસ્ત્ર પોલીસ કૂમક સાથે વોર્ડ વિઝાર્ડની ફેકટરી, ઓફિસ તથા સંચાલકના નિવાસસ્થાને પહોંચી ગઇ હતી. કંપની મેડિકલ , હેલ્થકેર અને એન્ટરટેઇનમેન્ટ સેકટરમાં પણ કાર્યરત છે. આ ઉપરાંત વડોદરા શહેરના પ્રસિધ્ધ ગરબા યુનાઇટેડ વે અને હેરિટેજ ગરબા તથા મેરેથોનને પણ કંપનીએ સ્પાન્સર કરી હતી.
કંપનીના સીએમડી યતીન ગુપ્તે ધિરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત
કંપનીના સીએમડી યતીન ગુપ્તે બાગેશ્વર ધામના ધિરેન્દ્ર શાસ્ત્રીના ભક્ત છે. તાજેતરમાં જ ધિરેન્દ્ર શાસ્ત્રીની પધરામણી તેમના નિવાસસ્થાને કરવામાં આવી હતી.ધિરેન્દ્ર શાસ્ત્રી વડોદરા ખાતે ચાર્ટર્ડ પ્લેન દ્વારા આવ્યા હતા.
વોર્ડ વિઝાર્ડનો શેર 7.49 ટકા તૂટયો
વોર્ડ વિઝાર્ડ ખાતે આજે ઇન્કમટેક્સના દરોડાના અહેવાલના પગલે શેર 7.49 ટકા તૂટયો હતો. આજે શેર રૂા.6.11 ઘટીને રૂા.75.42 રહ્યો હતો.


