ધૃતરાષ્ટના પ્રશ્નનો જવાબ આપતાં ગીતા(1/2)માં સંજય કહે છે,
દ્રષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દૂર્યોધનસ્તદા
આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત
તે વખતે વજ્ર વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઇને અને દ્રોણાચાર્યની પાસે જઇને રાજા દુર્યોધને આ વચન કહ્યું. જે વખતે બંન્ને સેનાઓ યુદ્ધને માટે ઊભી હતી તે સમયની વાત સંજય કહે છે. પાંડવોના વજ્ર વ્યૂહથી ઊભેલી સેનાને જોવાનો અર્થ એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી. તેમના સૈનિકોમાં બે ભાવ નહોતા, મતભેદ નહોતા. તેમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણ હતા, જેથી બીજાઓ ઉપર ભારે અસર પડે છે એટલે સંખ્યામાં ઓછી હોવા છતાં પાંડવોની સેનાનો પ્રભાવ બીજાઓ ઉપર પડતો હતો, જેથી દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઇને નીતિવાળાં ગંભીર વચનો બોલે છે.
દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટનો સૌથી વધારે મોહ દુર્યોધનમાં હતો. પરંપરાની દૃષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યનાં બધાં કાર્યોની દેખભાળ પણ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ તો નામ માત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધાં કારણોથી સંજયે દુર્યોધનના માટે રાજા શબ્દનો પ્રયોગ કર્યો છે.
દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે. પોતાનો સ્વાર્થ સાધવા માટે, દ્રોણાચાર્યના મનમાં પાંડવોના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને વિશેષરૂપે પોતાના પક્ષમાં કરવા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો હતો. વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું અને મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી હોય છે, એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું.
અહીં શંકા થાય કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઇતું હતું કે જેઓ સેનાપતિ હતા, એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ બંને ઉભયપક્ષપાતી હતા એટલે કે તેઓ કૌરવો અને પાંડવો બંન્નેનો પક્ષ ખેંચતા હતા. એ બંન્નેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે ગુરુ હોવાના સંબંધથી દ્રોણાચાર્યની સાથે દુર્યોધનનો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ નહોતો અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી આથી એમને રાજી કરવા માટે દુર્યોધનનું તેમની પાસે જવું યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ હોતો નથી એની પાસે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે. દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઇ જાય અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઇ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થાય.
આચરે અને આચરાવે તેને આચાર્ય કહેવાય છે. આચરણની ત્રણ કક્ષાઓ છેઃ અધોગામી, મધ્યગામી અને ઊર્ધ્વગામી. અધોગામી આચરણ વ્યક્તિને પતિત બનાવે છે. પાણી આપોઆપ નીચાણ તરફ વહે છે તેવી જ રીતે ઇન્દ્રિય સુખ પ્રધાન જીવન જીવનારા આપોઆપ નીચે ને નીચે પડતા જાય છે. મધ્યગામી તે છે જે ભોગસુખો ભોગવે છે, પણ હક્ક અને ન્યાયનીતિનાં જ ભોગવે છે. અનીતિ કે વગર હક્કનાં ભોગવતા નથી. ઊર્ધ્વગામી તે છે જે જ્ઞાન-વૈરાગ્ય સંપન્ન સંયમપૂર્વકનાં જ સુખો ભોગવે છે, તે સહજ સંયમી હોય છે.


