જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને સમર્થન મળી રહ્યું છે. હવે અમેરિકા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાએ કહ્યું છે કે, તે પહલગામ હુમલાના આતંકીઓને પકડવામાં ભારતની મદદ કરશે. અમેરિકામાં ડાયરેક્ટર ઓફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગાબાર્ડે આ જાહેરાત કરી છે. તેમણે આ હુમલાની કડક નિંદા કરી છે. ભારતના નાગરિકો પ્રત્યે સંવેદનાઓ પણ વ્ચક્ત કરી છે.
અમેરિકા ભારતને સમર્થન આપે છે
તુલસી ગાબાર્ડે પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ લખી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ ભયાનક આતંકી હૂમલા બાદ અમે ભારત સાથે ખભેખભો મીલાવીને ઉભા છીએ. આ હુમલામાં આતંકીઓએ 26 હિન્દુઓને નિશાન બનાવીને મારી નાંખ્યાં છે. મારી પ્રાર્થના અને સંવેદનાઓ પીડિત પરિવારો સાથે છે. આ જઘન્ય હુમલા માટે જવાબદાર લોકોને પકડવા માટે તમારુ સમર્થન કરીશું.
અગાઉ પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી
અગાઉ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું હતું કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને સચિવ રૂબિયોએ સ્પષ્ટ કરી દીધું છે કે,અમેરિકા ભારત સાથે ઉભું છે. આતંકવાદના આ પ્રકારના કૃત્યોની નિંદા કરે છે. અમે મૃત્યુ પામેલા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. આ હુમલાના અપરાધીઓને ન્યાયના કઠેડામાં લાવવા માટેનું આહ્વાન કરીએ છીએ. તે ઉપરાંત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે આ હુમલાની નિંદા કરી હતી અને ભારતને અમેરિકાનું સમર્થન છે તેવું કહ્યું હતું.


