- જામનગરના કાલાવડમાં બપોર બાદ ભારે વરસાદ વરસ્યો
- વરસાદના પાણીના પ્રવાહમાં એક વૃદ્ધ તણાયા હોવાના સમાચાર
- સ્થાનિક યુવાનોએ મદદ કરીને વૃદ્ધને બચાવી લીધા
રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર આ વર્ષે વધારે છે. ત્યારે જામનગરના કાલાવડમાં બપોર બાદ ભારે વરસાદ વરસ્યો છે અને આ વરસાદના પાણીના પ્રવાહમાં એક વૃદ્ધ તણાયા હોવાના સમાચાર મળ્યા છે.
વૃદ્ધ મોટર સાયકલ સાથે પાણીના પ્રવાહમાં તણાયા
જામનગરના કાલાવડ તાલુકામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે, ત્યારે એક વૃદ્ધ પોતાના મોટર સાયકલ સાથે પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મોટર સાયકલ સાથે તણાઈ રહ્યા છે, જો કે સ્થાનિક યુવાનોએ મદદ કરીને આ વૃદ્ધને બચાવી લીધા છે.
સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 66 તાલુકામાં વરસાદ
જો આજે સાંજે 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો રાજ્યના 66 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ કોડીનાર અને જૂનાગઢમાં વરસ્યો છે. ત્યારે મોરબીના ટંકારા અને રાજકોટના ગોંડલમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે દાંતામાં સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય કાલાવડ, સુત્રાપાડા અને મેંદરડામાં બે ઈંચ વરસાદ, વેરવાળ અને ઈડરમાં દોઢ ઈંચ વરસ્યો છે. આ સાથે જ મોરવા હડફ, ઉમરપાડા અને જૂનાગઢના માંગરોળમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.
વેરાવળ પાલિકા તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની ખુલી પોલ
વેરાવળ પાલિકા તંત્રની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. માત્ર 1 ઈંચ વરસાદમાં મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા છે. શહેરના તપેશ્વર મંદિર રોડ, સુભાસ રોડ, સ્વામિનારાયણ મંદિર ચોકમાં પાણી ભરાયા છે.ત્યારે મુખ્ય બજારમાં પાણી ભરાતા વેપારીઓ અને રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં મુકાયા છે.
જામકંડોરણા અને ઉપલેટાને જોડતો કોઝવે તૂટયો
ભારે વરસાદને કારણે જામકંડોરણા અને ઉપલેટાને જોડતો કોઝવે તૂટયો છે. સમગ્ર પંથકમાં ભારે વરસાદ છે, ત્યારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક થઈ છે અને ઉપલેટાથી જામકંડોરણા તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે. કોઝ-વે તૂટી જતા અનેક ગામના લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


