- ચણા માટે 6217 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, 63 ખેડુતોએ જ ટેકો આપ્યો
- તુવેરના ટેકાના ભાવને ખેડુતો દ્વારા ટેકો ન આપવામાં આવ્યો
- રાયડાના 5440 ખેડુતોને 5849.75 લાખના ચુકવણા થયા
જામનગર જિલ્લામાં રવિ પાકમાં તુવેર, ચણા અને રાયડાનું ટેકાના ભાવે શરૂ થયેલી ખરીદીમાં રાયડામાં નોંધાવેલા 8640 ખેડુતોમાંથી 7034 ખેડુતો પાસેથી 1,34,468 કિવન્ટલની ખરીદી કરી છે. તો ચણા-તુવેરના ખેડુતોએ સરકારને ટેકો આપ્યો ન હતો. ચણામાં 6217 ખેડુતોમાંથી 63 ખેડુતો આવ્યા હતાં અને તુવેરમાં એક પણ ખેડુત આવ્યો ન હતો.
જામનગર જિલ્લામાં ખરીફ-રવિ પાકો રાયડો, ચણા અને તુવેરના ટેકાના ભાવે વેચાણ કરવા માટે 6 કેન્દ્રો (તાલુકા) ઉપર 8640 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 6 તાલુકામાં સરકાર દ્વારા નિમાયેલી મંડળીઓ-સંસ્થાઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી. તમામ ખેડુતોને મેસેજ કર્યા હતા અને વેંચાણ માટે આવેલા ખેડુતોમાંથી 32 ખેડુતોના પાક રીજેક્ટ થયા હતાં અને 7034 ખેડુતો પાસેથી 1,34,468 કિવન્ટલ રાયડાની ખરીદી કરી હતી. જેમાં 5440 ખેડુતોને રૂ.5849.75 લાખના ચુકવણા કરી દીધા છે. જયારે અન્ય ખેડુતોને રકમ ચુકવવા માટેને પ્રોસેસ ચાલી રહી છે.
જ્યારે ટેકાના ભાવે ચણાના વેચાણ માટે ધ્રોલમાં 1208, જામજોધપુરમાં 336, જામનગર ગ્રામ્યમાં 1112, જોડીયામાં 431, કાલાવડમાં 2582 અને લાલપુરમાં 548 ખેડુતો મળીને કુલ 6217 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ટેકાના ભાવે વેંચાણ માટે મેસેજ કરીને જે તે તાલુકાના યાર્ડમાં બોલાવવામાં આવતા ધ્રોલમાં જ માત્ર 63 ખેડુતો ટેકાના ભાવે ચણા વેંચાણ માટે આવ્યા હતાં અને 1095 ક્વિન્ટલ ચણાની ખરીદી કરીને તમામ ખેડુતોને રૂપિયાના ચુકવણા થઈ ગયા છે. જ્યારે તુવેરના પાકની ટેકાના ભાવે વેંચાણ માટે માત્ર લાલપુરમાં જ 6 ખેડુતો નોંધાયા હતાં અને તેમાં પણ એક પણ ખેડૂત વેંચાણ માટે આવ્યા ન હતાં.
અત્રે ઉલ્લેખનિય છે કે, ટેકાના ભાવ કરતા ચણા-તુવેરના બજારમાં સારા ભાવ મળતા હોવાથી ખેડુતો ટેકાના ભાવે વેંચાણ કરવા માટે આવ્યા ન હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.


