તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને 3-1થી હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભારતીય ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન સમગ્ર સિરીઝ દરમિયાન જોવા મળ્યું.
બુમરાહ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બુમરાહે આ સિરીઝમાં 32 વિકેટ લીધી. હવે બુમરાહને ICC તરફથી ખાસ એવોર્ડ મળ્યો છે.
બુમરાહ બન્યો ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ
ડિસેમ્બર 2024માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જસપ્રીત બુમરાહનું શાનદાર પ્રદર્શન હતું. જેના કારણે હવે બુમરાહે પેટ કમિન્સ અને ડેન પેટરસનને હરાવીને ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો એવોર્ડ જીત્યો છે. ડિસેમ્બરમાં ત્રણ ટેસ્ટ મેચોમાં, બુમરાહે 14.22 ની સરેરાશથી ૨૨ વિકેટ લીધી. બુમરાહે બીજી વખત ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થનો ખિતાબ જીત્યો છે.
ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન
ભલે ટીમ ઈન્ડિયાને 10 વર્ષ પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ બુમરાહ માટે આ સિરીઝ અદ્ભુત રહી. આ સિરીઝની બે મેચમાં બુમરાહ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો, ત્યારબાદ હવે રોહિત પછી બુમરાહને ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની સિરીઝમાં બુમરાહે 13.06 ની સરેરાશથી 32 વિકેટ લીધી હતી.
બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પોતાની 200મી ટેસ્ટ વિકેટ પણ લીધી. આ સિવાય આ સિરીઝમાં તેના ઉત્તમ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય 2024નું વર્ષ બુમરાહ માટે પણ શાનદાર રહ્યું. બુમરાહ ગયા વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો.


