દરરોજ રાત્રે ૮ થી ૧૧ કલાક સુધી લાઇવ કથા શ્રવણ કરી શકાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના ધર્મપ્રેમી જનતા માટે ‘રાધે રાધે પરિવાર’ દ્વારા આયોજિત અને પૂજ્ય શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે) ના મુખે ગવાયેલી ભવ્ય ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ’ હવે માત્ર મંડપ સુધી સીમિત ન રહેતા, રેડિયોના માધ્યમથી ઘર-ઘર સુધી પહોંચશે.
રાજકોટનું લોકપ્રિય સ્ટેશન 89.6 FM રેડિયો રાજકોટ આ પાવન કથાનું વિશેષ જીવંત પ્રસારણ (Live Broadcast) કરવાનું છે. જે શ્રોતાઓ કોઈ કારણોસર કથા સ્થળ પર પહોંચી શકતા નથી, તેઓ હવે પોતાના રેડિયો સેટ અથવા મોબાઈલ પર જીગ્નેશદાદાની અમૃતવાણીનો લ્હાવો લઈ શકશે.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાનારી આ કથાનું દરરોજ રાત્રે 8:00 થી 11:00 કલાક દરમિયાન 89.6 FM રેડિયો રાજકોટ પર સીધું પ્રસારણ કરવામાં આવશે. આ માધ્યમ દ્વારા શ્રોતાઓ ઘરે બેઠા કે મુસાફરી દરમિયાન પણ જીગ્નેશદાદાની અમૃતવાણીનો લ્હાવો લઈ શકશે.
કથાના વિવિધ પ્રસંગો જેમ કે કૃષ્ણ જન્મોત્સવ (30 માર્ચ) અને કૃષ્ણ-રુક્મણી વિવાહ (1 એપ્રિલ) ની ઉજવણી પણ રેડિયોના માધ્યમથી જીવંત રીતે શ્રોતાઓ સુધી પહોંચાડવામાં આવશે. તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે યોજાયેલા આ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થવા અને ભક્તિના આ પ્રવાહમાં જોડાવા માટે 89.6 FM રેડિયો રાજકોટની ટીમ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.


