- માળીયા હાટીનાના આંબલગઢ ગામે 50 વર્ષીય શ્રમિક તણાયો
- બંને પુત્રો સામે પિતા નદીમાં તણાયા
- મામલતદાર અને TDO સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી
જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામે આવેલી ચાંદ્રાવાળી લઘુ સિંચાઈ યોજનાની કેનાલનું કામ કરતો મજૂર પાણીમાં તણાયો છે. હાલ કેનાલનું કામ બંધ હોય અને ઘર માટેનું કરિયાણું લેવા માટે માળીયા શહેર ખાતે પોતાના બે દીકરા સાથે જતા હતો, ત્યારે નદીના પુલ પરથી પગ લપસી જતા પુત્રોની નજર સામે પિતા નદીમાં તણાયા હતા.
બંને પુત્રો સામે પિતા નદીમાં તણાયા
નદીમાં તણાયેલા વ્યક્તિ બાબુભાઈ પથુંભાઈ ડગરા માળીયા હાટીના શહેરના રહેવાસી છે અને તેમની ઉંમર વર્ષ 50 હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ ઘટનામાં તેમની સાથે જઈ રહેલા તેમના બંને દીકરાનો બચાવ થયો છે. હાલ ભારે વરસાદને લઈને તાલુકા ભરમાં નદીઓમાં ભારે પુરની સ્થિતિ છે, ત્યારે હાલ માળીયા હાટીના તાલુકાના આંબલગઢ ગામમાં આ શ્રમિક તણાયાની ઘટના સામે આવી છે.
તણાયેલા શ્રમિકની શોધખોળ શરૂ કરાઈ
શ્રમિક તણાયાની ઘટના સામે આવ્યા બાદ મામલતદાર અને TDO સહિતની ટીમ અને માળીયા હાટીના શહેરનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ પુરમાં તણાયેલ 50 વર્ષીય શ્રમિકનીની શોધ ખોળ શરૂ કરી છે.
ભારે વરસાદને પગલે માણવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા
જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને અનેક ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે માણવદરના 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ઓઝત નદીના પાણી 4 ગામોમાં ફરી વળ્યા છે અને મટીયાણા, આંબલીયા, બાલાગામ, પાદરડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ સિવાય પણ ધોધમાર વરસાદના કારણે અનેક ગામડા પાણીમાં તરબોળ થયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જુનાગઢના મટીયાણામાં પ્લોટ વિસ્તારમાં ગોઠણ સુધી વરસાદી પાણી ભરાયા છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને મોટી મુશ્કેલી
મટીયાણામાં 50 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા સ્થાનિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે, તમને જણાવી દઈએ કે ઉપરવાસમાં પાણીની આવક થતાં અલગ અલગ નદીઓમાં તે પાણી છોડવામાં આવ્યુ હતું, જેના કારણે ઓજત નદીનું પાણી ગામમાં ફરી વળ્યુ અને રસ્તાઓ જાણે કે નદીમાં પરિવર્તિત થઈ ગયા હોય તેવુ લાગી રહ્યું છે. જો કે વરસાદે હવે વિરામ લેતા પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડયા છે તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે.


