રાજ્યમાં પોલીસ દારૂબંધીના અમલ માટે કડક કાર્યવાહી કરી રહી છે. દારુ ડ્રગ્સનો મુદ્દો હાલ રાજકીય બેડામાં ચર્ચાનો વિષય બન્યો ત્યારે પોલીસ દ્વારા બુટલેગરો સામે કાયદાકીય કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે જૂનાગઢમાંથી દારૂની 122 બોટલ ઝડપાઈ છે. દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસને એક બેગમાંથી 122 દારૂની બોટલ મળી
ઘટનાની મળતી માહિતી અનુસાર, જુનાગઢમાં ST બસમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી શીલ પોલીસને મળી હતી. જે કારણે પોલીસે એસટી બસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પોલીસને એક બેગમાંથી 122 દારૂની બોટલ મળી આવી હતી. આ એસટી બસ ઉનાથી પોરબંદર તરફ જઈ રહી હતી. જે દરમિયાન પોલીસે બસ ચેક કરી હતી. શીલ પોલીસ દ્વારા દારુનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


