ભુજ નગરપાલિકા દ્વારા એપ્રિલથી લઇને નવેમ્બર સુધીનાં ૮ માસમાં કુલ રૂ.૧૦.૯૭ કરોડની વેરા વસૂલાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૧૩,૩૧૫ મિલકત ધારકોએ તેમના બાકી વેરાની ભરપાઇ કરી છે. પાલિકા દ્વારા ખાસ કરીને એપ્રિલ, મે અને જૂન માસ દરમ્યાન મિલકત ધારકોને ચાલુ વર્ષનાં વેરાની ભરપાઇ ઉપર ૧૦ ટકા જુલાઇથી સપ્ટેમ્બર સુધી પાંચ ટકા અને ઓક્ટોબર,નવેમ્બર માસમાં મિલકત ધારકોને અઢી ટકા રિબેટનો લાભ અપાયો હતો જે ૩૧ ડિસેમ્બર સુધી લાભ અપાશે.
મિલકત ધારકોએ ઓનલાઇન વેરાની ભરપાઇ કરી
પાલિકાનાં ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષનાં આઠ મહિનામાં પાલિકાને રૂ. ૧૦,૯૭,૨૭,૩૯૭ની વસૂલાત કરવામાં સફળતા મળી હતી. કુલ ૧૩,૩૧૫ મિલકત ધારકોએ તેમના બાકી વેરાની ભરપાઇ કરી તેમાં ૧૨,૧૫૦ મિલકત ધારકોએ પાલિકા કચેરીએ રૂબરૂમાં આવીને અને ૧,૧૬૫ મિલકત ધારકોએ ઓનલાઇન વેરાની ભરપાઇ કરી હતી, ઓક્ટોબર માસથી મિલકત ધારકોને પાલિકા દ્વારા અઢી ટકા રિબેટનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેનો નવેમ્બર માસ દરમ્યાન ૧,૦૯૫ મિલકત ધારકોએ લાભ લીધો હતો. હજુ પણ આગામી તા. ૩૧ ડિસેમ્બર સુધી પાલિકા દ્વારા ચાલુ વર્ષનાં વેરાની ભરપાઇ ઉપર મિલકત ધારકોને અઢી ટકા રિબેટનો લાભ આપવામાં આવશે. જ્યારે બાકીનાં ત્રણ માસ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન મિલકત ધારકોને રિબેટનો લાભ અપાશે નહીં.
મિલકત વેરા પેટે રૂ. ૮,૯૫,૪૩,૫૩૯ની વસૂલાત કરાઇ
નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન રૂ.૨૨.૬૬ કરોડની વસૂલાત કરવામાં આવી હતી, ત્યારે વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન પણ પાલિકા દ્વારા રૂ. ૨૨ કરોડથી વધુની વેરા વસૂલાત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ભુજ પાલિકા દ્વારા એપ્રિલ, મે, જૂન, જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન વેરા પેટે રૂ. ૧૦,૯૭,૨૭,૩૯૭ની વસૂલાત કરવામાં સફળતા મળી છે. તેમાં મુખ્યત્વે મિલકત વેરા પેટે રૂ. ૯,૬૦,૪૪,૫૯૩ની વસૂલાત કરાઇ છે. જ્યારે વ્યવસાય વેરા પેટે રૂ. ૧,૨૧,૧૬,૫૩૨ની અને દુકાન ભાડું, ઓન રોડ, હોર્ડિંગ ભાડું મળીને કુલ રૂ. ૧૫,૬૬,૨૭૨ની વસૂલાત કરવામાં સફળતા મળી છે.
જૂનમાં સૌથી વધુ 3.20 કરોડ, ઓગષ્ટમાં માત્ર 83 હજારની વસુલાત
ભુજ પાલિકા દ્વારા એપ્રિલ માસથી ૨૦૨૫-૨૬નાં વેરાની વસૂલાત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત એપ્રિલ માસમાં રૂ. ૧.૭ કરોડ, મે માસમાં રૂ. ૨ કરોડ, જૂન માસમાં રૂ. ૩.૨૦ કરોડ, જુલાઇ માસમાં રૂ. ૧.૩૬ કરોડ, ઓગસ્ટ માસમાં રૂ. ૮૩ હજાર, સપ્ટેમ્બર માસમાં રૂ. ૭૭.૬૯ લાખ, ઓક્ટોબર માસમાં રૂ. ૮૫.૪૧ લાખ અને નવેમ્બરમાં રૂ. ૮૦.૦૩ લાખ મળી કુલ રૂ. ૧૦.૯૭ કરોડની વેરા વસૂલાત કરવામાં પાલિકાને સફળતા મળી છે.
આ પણ વાંચોઃ Kachchh News: જિલ્લામાં પ્રવાસન સ્થળોની સફાઈ શરૂ કરાઈ, પાલિકા દ્વારા માસિક 70 લાખનો ખર્ચ


