• કોવિડ-19ના વધતા કેસો વચ્ચે નવી ગાઈડલાઈન્સ જાહેર
• કર્ણાટક સરકાર, કેન્દ્ર સરકાર પાસેથી વેક્સિનના 30 હજાર ડોઝ ખરીદશે
• કોવિડગ્રસ્તને ફરજિયાત કેઝ્યુઅલ રજા તેમજ વિશેષ રજા આપવામાં આવશે
ગત સોમવાર સુધીમાં ભારતમાં કોરોના JN.1 વેરિયન્ટના 69 કેસો હતા. ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, તામિલનાડુમાં 4, તેલંગાણામાં 2 કેસ હતા. સૌથી વધુ કર્ણાટકમાં 34 કેસ સામે આવ્યા હતા જેમાંથી 3ના મૃત્ય થયા હતા. ભારતમાં કોરોના કેસોની સંખ્યા વધી રહી છે અને કર્ણાટકમાં જ 34 કેસ નો રાફડો ફાટતાં કર્ણાટક સરકાર દ્વારા કોવિડની ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. નાગરિકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.
કોવિડ નિવારણ કમિટી
કર્ણાટકમાં કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1ના વધતા જતાં કેસો વચ્ચે સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કર્ણાટક રાજ્યની સરકાર દ્વારા કોરોનાવાયરસને લઈને રચવામાં આવેલી પેટા કમિટીએ મંગળવારે (27 ડિસેમ્બર) કોવિડ ફેલાતો અટકાવવા અંગેની સૂચનાઓ જાહેર કરી હતી. સાવચેતીના પગલામાં કોવિડના નિયમોનું પાલન કરવું. જાહેર સ્થળોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને કોવિડ અસરગ્રસ્તને 7 દિવસ માટે હોમઆઈસોલેશનમાં રાખવા અંગે જણાવાયુ છે.
ન્યુ યર સેલિબ્રેશન અંગે ગાઈડલાઈન્સ
હકીકતમાં મંગળવારે, સરકારી પેટા કમિટીએ વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિતા લોકોને ‘પ્રિકોશન ડોઝ’ લઈ લેવાની સલાહ આપી હતી. આ કામને પૂર્ણ કરવા માટે કર્ણાટક સરકારે, કેન્દ્ર સરકાર પાસેથી કોર્બિવેક્સ રસીના 30 હજાર ડોઝ ખરીદવાનો નિર્ણય કર્યો અને આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર નવા વર્ષની ઉજવણી પર કોઈપણ જાતના પ્રતિબંધો લગાવ્યા નથી. આ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
બાળકો તથા વૃદ્ધોને ઘરે જ રહેવા સૂચન
આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, આ માર્ગદર્શિકા હેઠળ નાગરિકોને માસ્ક પહેરી રાખવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા અને હેન્ડ સેનિટાઈઝેશન કરતા રહેવા સલાહ આપવામાં આવી છે. ખાસ, બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના છે અને પહેલાથી જ કોઈ રોગથી પીડિત છે તેમને ઘરમાં રહેવા અને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે. બાળકોમાં શરદી, ખાંસી અને તાવ જેવાં લક્ષણો હોય તો શાળાએ ન મોકલવા, ઘરે જ દેખરેખ હેઠળ રાખવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જરૂર પડે તો બાળકોની તપાસ પણ કરવામાં આવશે.
કોવિડગ્રસ્ત દર્દીને લીવ આપવા અંગે
કર્ણાટકના આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ કોવિડગ્રસ્ત થાય છે તો તેને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. પરંતુ તેને એક અઠવાડિયા સુધી હોમ આઈસોલેશનમાં રહેવું અને મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જે લોકો હોમ આઇસોલેશનમાં છે અને સરકારી અથવા બિન-સરકારી ક્ષેત્રમાં કામ કરે છે. તેઓને એક અઠવાડિયાની ફરજિયાત કેઝ્યુઅલ રજા આપી દેવી અને જે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે તેમને વિશેષ રજા આપી દેવી જોઈએ. આ અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
કર્ણાટકમાં સૌથી વધુ કેસ
કર્ણાટકમાં અત્યાર સુધીમાં JN.1 વેરિઅન્ટના 34 કેસ નોંધાયા છે, જેમાં ત્રણના મૃત્યુ થયેલ છે. સમગ્ર દેશમાં JN.1 વેરિઅન્ટના 69 કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા છે. જે કે આરોગ્ય મંત્રી જણાવે છે કે લોકોએ ડરવાની જરૂર નથી.
ભારતમાં કોરોના…
કોવિડ-19નો ડર હવે વધી રહ્યો છે. રોજેરોજ દેશમાં હવે કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 412 કેસ સાથે કુલ એક્ટિવ કેસ 4,170 અને કર્ણાટકમાં ત્રણ દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ કેસો 4,50,09,660 ને પાર થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 5,33,337 અટકવાનું નામ નથી લેતો એની સાથે જ સાજા થનારા 4,44,72,153 લોકો છે. નેશનલ રિકવરી રેટ 98.81 ટકા અને મૃત્યુદર 1.19 ટકા થયો છે. અત્યાર સુધી કોરોના વેક્સિનના 220.67 કરોડ ડોઝ અપાયા છે.


