- દિલ્હી લિકર પોલિસી સ્કેમ કેસમાં EDના સમન્સ ફગાવ્યાં હતા
- સમન્સ ફગાવ્યાં બદ આખરે કોર્ટમાં કરી હતી અરજી
- સમન્સ ગેરકાયદેસર અને રાજકારણ પ્રેરિત: અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે ED દ્વારા વારંવારના સમન્સ બાદ પણ કોર્ટે કેજરીવાલને હાજર થવા માટે સમન્સ જાહેર કર્યા છે. કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર થવા જણાવ્યું છે.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDના 5 સમન્સ ઇસ્યુ કરવા છતાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ED સમક્ષ હાજર ન થયા જેની સામે ED દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતા રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો અને કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું. ACMM દિવ્યા મલ્હોત્રાએ આ આદેશ આપ્યો છે.
જણાવી દઈએ કે, ED દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે. EDની દલીલ છે કે તે કેસમાં કેજરીવાલનું નિવેદન રેકોર્ડ કરવા માંગે છે. આ અંગે કેજરીવાલને પાંચ વખત સમન્સ જારી કરવામાં આવ્યા છે. જો કે, કેજરીવાલે આ સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા અને ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ આ મહિનામાં જ 2જી ફેબ્રુઆરીએ 5મું સમન્સ જારી કર્યું હતું. તેમ છતાં કેજરીવાલ હાજર થયા ન હતા. ત્યારબાદ, EDએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
EDએ કોર્ટમાં કરી આ દલીલો…
કોર્ટમાં EDએ દલીલ કરી હતી કે કેજરીવાલ જાણીજોઈને સમન્સ પર હાજર નથી થઈ રહ્યા. કેજરીવાલે જાણીજોઈને અલગ-અલગ તારીખે તેમને જારી કરાયેલા સમન્સનું પાલન કર્યું ન હતું અને તેઓ હાજર થયા ન હતા. કેજરીવાલ ખોટા બહાના બતાવી રહ્યા છે. કેજરીવાલને તેમની ભૂમિકા અને અન્યની ભૂમિકાની તપાસ કરવા અને અપરાધની આવક શોધવા માટે બોલાવવામાં આવ્યા હતા. કેજરીવાલ ઉચ્ચ કક્ષાના જાહેર અધિકારી છે જે કાયદાનું પાલન કરે તેવી અપેક્ષા છે. જો આવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકો કાયદાનો અનાદર કરશે તો તે સામાન્ય માણસ માટે ખોટું ઉદાહરણ હશે.


