કેરળમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી હતી. જે માટેની મત ગણતરી આજ સવારથી ચાલી રહી છે. કોર્પોરેશનના વલણે કેરળની શહેરી રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. જેમાં UDF છ માંથી 4 કોર્પોરેશનમાં આગળ ચાલી રહી છે.
UDFએ કોલ્લમ, કોચ્ચી અને ત્રિશૂરમાં સ્પષ્ટ બહુમતિ મેળવી છે. આ સાથે કન્નુરમાં પણ પોતાની જીત યથાવત રાખે તેવી શક્યતા છે. જ્યારે એનડીએ તિરુવનંતપુરમમાં આગળ ચાલી રહી છે. જે કારણે ત્યાં જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. જો તિરુવનંતપુરમમાં ભાજપ જીતી જાય છે, તો આ એક નવા યુગની શરૂઆત સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ કેરળમાં એક પણ વાર સરકાર બનાવી નથી.
તિરુવનંતપુરમમાં ભાજપના નેતૃત્વવાળું NDA ગઠબંધન બહુમતિના મેજિક નંબર નજીક છે. તિરુવનંતપુરમના 101 વોર્ડમાંથી 50 વોર્ડમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે. જે કારણે કેરળના પાટનગરમાં એનડીએની જીત લગભગ સુનિશ્ચિત છે. આ જીત ભાજપ માટે ઘણી મહત્વપૂર્ણ છે. જે આગામી વિધાનસભામાં ઘણી ઉપયોગી સાબિત થશે. આ શહેર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ શહેરમાંથી કોંગ્રેસ નેતા શશિ થરૂર સાંસદ છે. શશિ થરૂર અને કોંગ્રેસ વચ્ચેનો અણબનાવ હાલ ઘણો ચર્ચામાં રહ્યો છે.
શશિ થરૂરના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું
કેરળની નગરપાલિકાઓમાં ભાજપનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. ભાજપ તિરુવનંતપુરમમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. જોકે, ત્રિશૂક કોર્પોરેશન અને શોરનૂર નગરપાલિકા જેવામાં મુખ્ય શહેરોમાં તેમની પકડ ઢીલી જોવા મળઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ત્રિશૂક એ ભાજપના મંત્રી અને સાંસદ સુરેશ ગોપીનો મત વિસ્તાર છે. ઉલ્લેખનીય છે કે, યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ ગઠબંધનમાં કોંગ્રેસ, ઈન્ડિયન મુસ્લિમ લીગ, કેરલા કોગ્રેસ(જોસેફ) અને રિવોલ્યુસનરી સોશિયલ પાર્ટી જેવા દળોનો સમાવેશ થાય છે.
https://x.com/ShashiTharoor/status/1999745260109672541
ભાજપને શશિ થરૂરે આપ્યા અભિનંદન
કેરળની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત બદલ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે યુડીએફને શુભકામનાઓ આપી છે. આ સાથે શશિ થરૂરે તિરુવનંતપુરમમાં ભાજપની જીતને ઐતિહાસિક ગણાવી છે. શશિ થરૂરે એક્સ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું કે, યુડીએફને ઘણી પાલિકા અને નગરપાલિકામાં જીત મળવા બદલ અભિનંદન. કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા મળેલો મજબૂત સંકેત છે.
આ સાથે તેમણે જણાવ્યું કે, હું તિરુવનંતપુરમમાં ભાજપની ઐતિહાસિક પ્રદર્શનનો સ્વાકાર કરવા માંગુ છું. આ સાથે તિરુવનંતપુરમ કોર્પોરેશનમાં જીત મેળવવા બદલ વિનમ્ર શુભકામના આપું છે. આ એક મજબૂત પ્રદર્શન છે, જે પાટનગરના રાજકારણમાં મોટા બદલાવ તરફ સંકેત કરે છે. મેં 45 વર્ષના LDFના કુશાસનમાં પરિવર્તન કરવા માટે પ્રચાર કર્યો હતો. જોકે, મતદાતાઓએ અન્ય પાર્ટી પર પોતાનો વિશ્વાસ મુક્યો છે. જેનાથી સ્પષ્ટ છે કે, શહેરની જનતા પરિવર્તન ઈચ્છે છે.


