- PMની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા દીઠ અલગ-અલગ કાર્યક્રમ યોજાશે
- PM આવાસ યોજના અંતર્ગત 11,222 પરીવારોના ઘરના ઘરનું સપનુ સાકાર થયું
- રાજય કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજાનાર છે
રાજયના 33 જિલ્લામાં આજે પીએમ આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા મકાનો લાભાર્થીઓને લોકાર્પણ કરાનાર છે. પીએમ મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં યોજાનારા કાર્યક્રમમાં ઝાલાવાડના 1,777 લાભાર્થીઓને ઘરનું ઘર મળશે. જિલ્લામાં વિધાનસભા દીઠ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરીવારોને ઘરના ઘરનું સપનુ સાકાર થાય છે. આ યોજના હેઠળ પ્લોટ પર મકાન બનાવવા લાભાર્થીને રૂપીયા 1.20 લાખની ત્રણ તબક્કામાં સહાય આપવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 11,222 પરીવારોને ઘરનું ઘર મળ્યુ છે. ત્યારે વધુ 1,777 લાભાર્થીઓને આજે તા. 10ના રોજ આવાસ અર્પણ કરવામાં આવનાર છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી હાજરીમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજય કક્ષાનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં યોજાનાર છે. જેમાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. જયારે ઝાલાવાડમાં પણ 5 વિધાનસભા બેઠક દીઠ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. બપોરે 12કલાકે યોજાનાર કાર્યક્રમમાં દસાડાનો કાર્યક્રમ પાટડીની સુરજમલજી હાઈસ્કુલ, લીંબડી માટે એપીએમસી સાયલા, વઢવાણ માટે મંગલભુવન, વઢવાણ, ચોટીલા માટે એપીએમસી ચોટીલા અને ધ્રાંગધ્રા માટે હળવદ એપીએમસીમાં કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ધારાસભ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.


