- સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને સેશન્સ કોર્ટે સજા ફરમાવેલી
- 1990માં અડવાણીની યાત્રા વખતે પ્રભુદાસ વૈષ્ણાનીની અટક બાદ મોત થયેલું
- હાઇકોર્ટે સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફ્ટકારેલી સજા યથાર્થ ગણાવી હતી
જામજોધપુરમાં સને 1990ના ચકચારભર્યા કસ્ટોડિયલ ડેથ કેસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને ફ્ટકારેલી જન્મટીપની સજાને પડકારતી સંજીવ ભટ્ટની અરજી ફગાવી દઈ ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે નીચલી કોર્ટના હુકમને સ્પષ્ટ બહાલી આપી હતી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફ્ટકારેલી સજા યથાર્થ ગણાવી હતી અને નીચલી કોર્ટના સજાના આ હુકમમાં કોઇપણ પ્રકારની દરમ્યાનગીરી કરવાનો સાફ્ ઇનકાર કરી દીધો હતો.
આ કેસની વિગત મુજબ વર્ષ 1990માં જામનગરના જામજોધપુરમાં લાલકૃષ્ણ અડવાણીની એકતા યાત્રા વખતે ભારત બંધનું એલાન અપાયુ ત્યારે કોમી તોફનો ના થાય તેની દહેશતમાં જામનગર જિલ્લાના તત્કાલીન એએસપી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ 133 વ્યક્તિઓની ટાડા હેઠળ ધરપકડ કરી કેટલાકને બેરહેમીથી માર માર્યો હતો. જેમાં પ્રભુદાસ માધવભાઇ વૈષ્ણાની નામના એક વેપારીનું કસ્ટોડિયલ ટોર્ચર અને મારના કારણે ગત તા.18-11-1990ના રોજ મોત નિપજયું હતું. જે અંગે તેના ભાઇએ સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટે 29 વર્ષે મહત્ત્વના ચુકાદો આપી પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને જન્મટીપની આકરી સજા ફ્ટકારી હતી, જયારે પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા, કેશુભા દોલુભા જાડેજા અને પીએસઆઇ શૈલેષ પંડયા અને દિપકકુમાર ભગવાનદાસ સાહને બે-બે વર્ષની સજા કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટના આ ચુકાદા સામે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમિનલ અપીલ કરી સજાના હુકમને પડકાર્યો હતો. જો કે, હાઇકોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ્ ઇન્કાર કરી દીધો હતો અને તેમની અપીલો ફ્ગાવી દઇ નીચલી કોર્ટે સંજીવ ભટ્ટ સહિતના આરોપીઓને ફ્ટકારેલી સજાનો હુકમ કાયમ રાખ્યો હતો.


