- ફ્રાન્સના વીટ્રી એરપોર્ટ પર રોકેલા, હવે પરત ફરી રહેલા પ્લેનનો વિવાદ
- હવે સીઆઈડી ક્રાઈમે કિરણ, સરપંચ રાજુ, સાગરીતોની તપાસ આદરી
- બીજા એજન્ટો અંગે તપાસ ચાલી રહી છે
ફ્રાન્સના વીટ્રી એરપોર્ટ પર ફ્યુઅલ ભરાવવા રોકાયેલી દુબઈની ખાનગી કંપનીની ફલાઈટમાં ગેરકાયદે અમેરિકા જતા 260 જેટલા ભારતીય નાગરિકો સહિત 303 પ્રવાસીઓ મળી આવતા તપાસ એજન્સીઓમાં દોડધામ થઈ હતી. આ મામલામાં ગુજરાતના 96 પેસેન્જરોને અમેરિકા મોકલવામાં મહેસાણાના એજન્ટ કિરણ પટેલ અને સરપંચ રાજુની સંડોવણી ખુલતા સીઆઈડી ક્રાઈમની ટીમો કામે લાગી છે. કિરણ પટેલ વિશે મળેલી માહિતી મુજબ આરોપી છેલ્લા 25 વર્ષથી ગેરકાયદે વિઝા રેકેટની પ્રવૃત્તીમાં સંડોવાયેલો છે. કિરણ પટેલએ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પોતાના સબ એજન્ટો રોક્યા હોવાની વિગતો મળી રહી છે. આમ, સમગ્ર ગુજરાતમાં પેટા એજન્ટો થકી ગેરકાયદે વિઝાનું રેકેટ ચલાવતા કિરણના રાજકીય અને પોલીસ સાથે ઘનિષ્ઠ સંપર્કો હોવાનું તેમજ આરોપી અગાઉ ક્રાઈમબ્રાંચમાં પકડાઈ ચૂક્યાની ચર્ચા પોલીસમાં છે.
ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી ઝડપાયેલી ખાનગી કંપનીની ફલાઈટમાં 260 ભારતીયોને ગેરકાયદે અમેરિકા મોકલવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તપાસ એજન્સીઓને જાણવા મળ્યું કે, આ રીતે દૂબઈથી ખાનગી એરલાઈન્સની ફલાઈટમાં પાંચ વખત પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવામાં આવ્યા છે. 1200 જેટલા ભારતીયોને આરોપીઓએ દૂબઈથી અમેરિકા મોકલ્યાની વિગતો ખુલી છે. સીઆઈડી ક્રાઈમે આ મામલે ફ્રાન્સની એજન્સીઓનો સંપર્ક કરી વિગતો લેવાના પ્રયાસ શરૂ કર્યા છે. કેન્દ્રની ભારતીય એજન્સીઓ ફ્રાન્સની સુરક્ષા એજન્સીઓના સીધા સંપર્કમાં રહીને વિગતો મેળવી રહી છે. ફ્રાન્સના રેકેટમાં ગુજરાતના એજન્ટ કિરણ પટેલનું નામ બહાર આવ્યા બાદ બીજા એજન્ટો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગેરકાયદે વિઝા અને પાસપોર્ટના રેકેટમાં કિરણ અગાઉ ક્રાઈમબ્રાંચમાં વર્ષો પહેલા ઝડપાયો હતો. પોલીસને શંકા છે કે ક્રાઈમબ્રાંચમાં ઝડપાયેલો કિરણ પટેલ જ ફ્રાન્સની ફલાઈટમાં સવાર ગુજરાતીઓને અમેરિકા જવા માટે મોકલ્યા છે.


