ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચા સાથે થાય છે. સવારની ચા પીધા વગર તેમના દિવસની શરૂઆત થતી નથી. કેટલાક લોકો તો બેડ ટી પીધા બાદ જ પથારીમાંથી બહાર નીકળે છે. કેટલાક એવા પણ લોકો છે જેઓને ઠંડી ચા બિલકુલ પસંદ નથી. તેઓ ગરમા-ગરમ ચા જ પીવે છે. ચા પીવાથી શરીરને ઉર્જા મળે એવી લોકોની માન્યતા છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે ગરમા-ગરમ ચા પીવાના શોખ કયારેક દુર્લભ બીમારીનું જોખમ બની શકે છે.
ગરમ ચા પીવાના ગેરફાયદા, જાણો
સવારે ચા ગરમા-ગરમ ચા પીવાનું શરીર માટે નુકસાનકારક બની શકે છે. સંશોધનમાં પણ આ વાત સાબિત થઈ. તે મુજબ ગરમ ચાનું સેવન લાંબા ગાળે કેન્સરનું જોખમ વધારે છે. સતત લાંબા સમય સુધી વધુ ગરમ ચા પીવાથી ગળા અને અન્નનળીનું કેન્સર થવાની સંભાવના અનેકગણી વધી જાય છે. આ ઉપરાંત ગરમ ચા પેટના આંતરડાને અસર કરે છે, કેટલાક સંજોગોમાં ગરમ ચા પીવાથી આંતરિક અસ્તર બળી જતા અલ્સર પણ થઈ શકેછે. આ ઉપરાંત ગરમ ચાનું સેવન દાંતને નુકસાન કરે છે અને નર્વસ સિસ્ટમ પર અસર કરતા શરીરમાં બીજા રોગોને આમંત્રણ આપે છે. વધુ ગરમ ચા પીવાથી પેટમાં એસિડનું સ્તર વધે છે. તેમજ જેમની પિત્ત પ્રકૃતિ છે તેમનામાં એસિડિટી અને ગેસની સમસ્યા વધે છે.
ચાનું સેવન મર્યાદિત માત્રામાં, નિષ્ણાતનું સૂચન
આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ મર્યાદિત માત્રામાં ચાનું સેવન કરવામાં આવે તો જ સ્વાસ્થ્યમાં લાભ થાય છે. ખૂબ ગરમ ચા ગળાના નાજુક અને શરીરના અન્ય ભાગોને ખરાબ રીતે અસર કરે છે. સ્વાસ્થ્ય માટે હાનિકારક આ જોખમથી બચવા ગરમા-ગરમ ચા પીવાની આદત જરૂર બદલવી જોઈએ. કારણ કે ચા ફક્ત ત્યારે જ લાભકારક છે જ્યારે તે યોગ્ય તાપમાને અને મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવામાં આવે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )


