ભારતમાં આગામી વસ્તી ગણતરી અંગે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રીમંડળે 2027ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. દેશના ઇતિહાસમાં પહેલીવાર આ વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ હશે.
બે તબક્કામાં યોજાશે વસ્તી ગણતરી
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી કે વસ્તી ગણતરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં એપ્રિલથી સપ્ટેમ્બર 2026 વચ્ચે હાઉસ લિસ્ટિંગ અને હાઉસ ડેટાનો સમાવેશ થશે, જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં હાત ધરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિ અને દરેક ઘરનો ડેટા મોબાઇલ એપ્સ અને વેબ પોર્ટલ દ્વારા ડિજિટલ રીતે રેકોર્ડ કરવામાં આવશે. તો ચાલો જાણીએ કે વસ્તી ગણતરી દરમિયાન કયા પ્રશ્નો પૂછવામાં આવશે.
જાતિ આધારિત ગણતરી પણ કરાશે
આ વસ્તી ગણતરીની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેમાં 1931 પછી પહેલીવાર જાતિ આધારિત વસ્તી ગણતરીનો સમાવેશ થશે. આનો અર્થ એ થયો કે તેને SC અને ST સુધી મર્યાદિત રાખવાને બદલે, તમામ સમુદાયોમાંથી જાતિ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ગેઝેટ નોટિફિકેશનમાં વિવિધ ધર્મોની જાતિઓની નોંધણી કરવાની પદ્ધતિ, ગોત્ર અને જાતિ વચ્ચેનો તફાવત જેવા મુદ્દાઓ પર વિગતવાર નોટિફિકેશન જારી કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે ડિજિટલ સિસ્ટમમાં ડેટા સુરક્ષા સર્વોપરી છે, અને નાગરિકોની વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવામાં આવશે. વધુમાં, ખોટી માહિતી આપનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
વસ્તી ગણતરી 2027માં કયા કયા પ્રશ્ન પૂછવામાં આવશે?
નામ, વૈવાહિક સ્થિતિ અને બાળકોની માહિતી
શૈક્ષણિક લાયકાત
રોજગારનો પ્રકાર (સરકારી, ખાનગી, સ્વ-રોજગાર વગેરે)
મોબાઇલ, ઇન્ટરનેટ અને ફોનની ઉપલબ્ધતા
સાયકલ, બાઇક અથવા કાર જેવા વાહનોની માલિકી
ઘરે વપરાતું અનાજ
પીવાના પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત
શૌચાલય અને સ્નાન સુવિધાઓ
રસોડું અને LPG/PNG કનેક્શન
રસોઈ માટે વપરાતું બળતણ
રેડિયો અને ટીવીની ઉપલબ્ધતા
ઘરની સ્થિતિ
ઘરમાં સામાન્ય રીતે રહેતા લોકોની સંખ્યા
ઘરના વડા કોણ છે?
પરિવાર કયા સમુદાયનો છે?
ઘરમાં કેટલા રૂમ છે?
ઘરની દિવાલોનો પ્રકાર
ફ્લોર અને છત કઈ સામગ્રીથી બનેલી છે, અને ઘરની સ્થિતિ કેવી છે.
ઘરમાં કેટલા પરિણીત યુગલો રહે છે?
માઈગ્રેશન સંબંધિત પ્રશ્નો પણ પૂછવામાં આવશે.
સ્થળાંતર સંબંધિત માહિતી કરાશે એકત્રિત
2027ની વસ્તી ગણતરી અંગે, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં માહિતી આપી હતી કે આ વખતે સ્થળાંતર સંબંધિત માહિતી વધુ વિગતવાર એકત્રિત કરવામાં આવશે. વસ્તી ગણતરીમાં જન્મ સ્થળ, અગાઉના રહેઠાણ, વર્તમાન સ્થાને રોકાણનો સમયગાળો અને સ્થળાંતરના કારણો વિશે માહિતી માંગવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે ગણતરીના સમયગાળા દરમિયાન વ્યક્તિ જ્યાં હાજર હોય ત્યાં જ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે, અને સ્થળાંતરિત કામદારો અને કામચલાઉ રહેવાસીઓ માટે કોઈ અલગ પ્રક્રિયા રહેશે નહીં. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક વસ્તી ગણતરી પહેલા, મંત્રાલયો અને નિષ્ણાતોના સૂચનોના આધારે પ્રશ્નાવલીને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. સરકારે એમ પણ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી એપ્લિકેશનમાં અંગ્રેજી અને હિન્દી સહિત 16થી વધુ ભાષાઓમાં વિકલ્પો હશે.
આ પણ વાંચો: Kerala Elections: UDF આગળ છતાં, શશિ થરૂરે આપ્યા ભાજપને અભિનંદન, કહી આ વાત


