કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી
કોઠારીયા વિસ્તારમાં 10.80 લાખના ઘરેણાંથી ભરેલા પર્સની ઉઠાંતરી, ગાંધીગ્રામમાં મકાનનું તાળું તોડી 1.10 લાખની ચોરી ; પોલીસે તપાસ શરૂ કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બનેલા ચોરીના બે બનાવોથી લોકોમાં ચિંતા ફેલાઈ છે. એક તરફ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અજાણ્યા શખ્સે ખુલ્લા ઘરમાંથી લાખોની કિંમતના સોનાના ઘરેણાં ચોરી કર્યા, તો બીજી તરફ ગાંધીગ્રામ વિસ્તારમાં તાળું તોડી રોકડ રકમ પર હાથ ફેરવ્યો છે. બંને બનાવોમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રથમ બનાવ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં સત્યમ પાર્ક શેરી નં. 2, રોલેક્સ રોડ પર રહેતા ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયાના નિવાસસ્થાને ચોરીની ઘટના બની હતી. ફરિયાદ મુજબ, 1 એપ્રિલના બપોરથી સાંજ વચ્ચે અજાણ્યા શખ્સે ઘરમાં પ્રવેશ કરી ખુલ્લા કબાટમાં રાખેલુ પર્સ ચોરી લીધું હતું. આ પર્સમાં સોનાનો હાર, મંગળસૂત્ર, હાથમાં પહેરવાનો પોચો, બે બુટીઓ અને એક ટીકું સહિત કુલ અંદાજે નવ તોલા જેટલું સોનું રાખવામાં આવ્યું હતું, જેની કિંમત આશરે રૂ. 10.80 લાખ જેટલી થાય છે. આરોપી ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા બી.એન.એસ. કલમ 305 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પો.સબ ઈન્સ્પેક્ટર એસ.વી. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બીજો બનાવ ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયો છે. મનહરપુર-1 વિસ્તારમાં રહેતા આશીફભાઈ નુરમહમદ ઠેબાના ઘરે તાળું તોડી ચોરી કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, તેઓ પોતાની પત્ની સાથે બહાર ગયેલા દરમિયાન 30 માર્ચની રાત્રિથી 31 માર્ચની વહેલી સવારે વચ્ચે અજાણ્યા ચોરે મકાનનું મુખ્ય દરવાજું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
આરોપીએ ઘરમાં રહેલા લોખંડના કબાટની તિજોરી ખોલી પત્નીના બે અલગ અલગ પર્સમાંથી કુલ રૂ. 1.10 લાખ રોકડ રકમ ચોરી લીધી હતી. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ મામલે પણ બી.એન.એસ.ની કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને પો.સબ ઈન્સ્પેક્ટર એન.વી. ચાવડા તપાસ કરી રહ્યા છે. પોલીસે બંને બનાવોમાં અજાણ્યા આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજ અને અન્ય તકનિકી સાધનોની મદદથી તપાસ શરૂ કરી છે.


