- પાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ભુજના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો
- લાખોના ખર્ચે તૈયાર થયેલો ફિલ્ટર પ્લાન્ટ ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ ગયો
- જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ
કચ્છમાં વરસાદ બાદ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે, તેવામાં લોકોને પીવાનું પાણી ફિલ્ટર કર્યા વગર વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ફેલાઈ છે. પાલિકાની બેદરકારીના કારણે ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે.
ભુજના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવ્યો
ભુજ તાલુકાના કુકમા નજીક પાણી સમ્પ પર લગાડવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે. નર્મદા નદીમાંથી આવતું પાણી ડાયરેક્ટ આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ આ પાણીને ડાયરેક્ટ ભૂજના અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે. પાલિકાનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ભુજના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવ્યો છે. અગાઉ પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. પરંતુ માત્ર થોડા મહિનામાં ફિલ્ટર પ્લાન્ટ બંધ થઈ ગયો છે.
લાખોના ખર્ચે તૈયાર થયેલો ફિલ્ટર પ્લાન્ટ ટેકનિકલ ખામીના કારણે બંધ
ભૂજના નાગરીકોને પીવા માટે ચોખ્ખું પાણી મળી રહે તે માટે ભૂજ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. લાખોના ખર્ચે તૈયાર થયેલો ફિલ્ટર પ્લાન્ટ ટેકનિકલ ખામીના કારણે બંધ થઈ ગયો છે, પરિણામે ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવે છે. હાલમાં વરસાદ બાદ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે.
શહેરમાં રોગચાળો વધુ વકરે તેવી સ્થિતિ
જિલ્લાની ખાનગી અને સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તેવામાં ભુજવાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી સપ્લાય કરવામાં આવતા રોગચાળો વધુ વકરે તેવુ લાગી રહ્યું છે. આ અંગે ભુજ પાલિકાના વોટર સમિતિના ચેરમેન કહેવું છે ફિલ્ટર પ્લાન્ટમાં પાણીનો બગાડ વધુ થાય છે, આથી પાણીને મેન્યૂઅલી ક્લોરીનેશન કર્યા બાદ સપ્લાય કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ભારે વરસાદને પગલે અનેક નદી,નાળા અને ડેમ પાણીથી છલકાય ઉઠ્યા છે અને આ વર્ષે રાજ્યમાં પાણીની પુષ્કળ આવક થઈ છે, ત્યારે પીવાના પાણીમાં કોઈ અછત વર્તાશે નહીં તેવુ લાગી રહ્યું છે.