- કુવૈતમાં 6 માળની ઇમારતમાં આગ લાગી
- અગ્નિકાંડમાં 90 ભારતીયો માંડમાંડ બચ્યા
- ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર
કુવૈતમાં 6 માળની ઇમારતમાં જે આગ લાગવાની ઘટના બની તેમાં 40 જેટલા ભારતીયોના મોતની માહિતી મળી આવી છે. આ સાથે જ 30 જેટલા ભારતીયો દાઝી ગયા છે અને બીજા 90 જેટલા ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભારતીય દૂતવાસ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબરથી પીડિત પરિવારો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે પોસ્ટ કરી
આ ઘટનાની જાણ થતાં વિદેશ મંત્રી એસ.જયશંકરે સોશિયલ મીડિયાના મધ્યમથી પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કુવૈતમાં આગ લાગવાના કારણે 40 લોકોના મોત થયા છે અને 50 જેટલા લોકો દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે પણ તેમણે સંવેદના દર્શાવી છે.
40 જેટલા ભારતીયોના મોત
મહત્વનું કહી શકાય કે, જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે 6 માળની હતી. જેમાં રસોડામાં આગ લાગી હતી. અને ત્યારબાદ આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બિલ્ડિંગમાં એક જ કંપનીમાં કામ કરતાં 160 જેટલા લોકો રહેતા હતા. જેમાં મોટા ભાગના ભારતીયો હતા. જેમાંથી 40 જેટલા ભારતીયોના મોતના સમાચાર મળી આવ્યા છે.
હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો
કુવૈતમાં ભારતીય દૂતાવાસ દ્વારા આ ઘટનાને લઈને +965-65505246 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબરથી પીડિત પરિવારોને સહાય મળી શકશે. ઉલ્લેખનીય છે કે, એમ્બેસી તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.


