- વિદેશ મંત્રી એસ.જયશંકરે ટવિટ કરી કુવૈત અગ્નિકાંડ મુદ્દે ઊંડા શોકની લાગણી દર્શાવી
- કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
- બિલ્ડિંગના માલિક, મજૂરોને કામે રાખનાર માલિકની ધરપકડના આદેશ અપાયા
કુવૈતના મંગાફ વિસ્તારમાં બુધવારે સવારે એક છ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં મોતને ભેટનાર 40 ભારતીય સામેલ છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આગની ઘટનામાં 30થી વધુ મજૂરો ઈજાગ્રસ્ત છે. જે ઈમારતમાં આ અગ્નિકાંડ સર્જાયો હતો તેનો ઉપયોગ મજૂરોના આવાસ માટે કરવામાં આવતો અને ત્યાં ભારે પ્રમાણેમાં મજૂરો રહેતાં હતાં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ બુધવારે પરોઢિયે કુવૈતના દક્ષિણી અહમદી પ્રાંતના મંગાફ વિસ્તારમાં છ માળની ઈમારતમાં કિચનમાં લાગી હતી. આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગમાં આશરે 160 લોકો રહેતાં હતાં. જે એક જ કંપનીના કર્મચારીઓ હતા. કુવૈતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે ભારતીય મજૂરો સાથે સંકળાયેલી આગની દુ:ખદ ઘટના અંગે દૂતાવાસે એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 શરૂ કર્યો છે. તમામ લોકોને વિનંતી છે કે તેઓ માહિતી અપડેટ માટે હેલ્પલાઇન સાથે જોડાવ. દૂતાવાસ તમામ પ્રકારની મદદ કરશે.
ભારતીય રાજદૂત ઈજાગ્રસ્તોને મળ્યા
કુવૈતમાં ભારતના રાજદૂત આદર્શ સ્વૈકાએ અલ-અદન હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં આગના ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 30થી વધુ ભારતીય મજૂરોને દાખલ કરવામાં આવ્યા છે. તેઓ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. તેમને ભારતીય દૂતાવાસ તરફથી પૂરતી મદદનું આશ્વાસન આપ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે તમામની સ્થિતિ સારી છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરનું ટવિટ
કુવૈત શહેરમાં આગ લાગવાની ઘટના અંગે વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકરે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેમને આગને લઈ દુખ વ્યક્ત કર્યું હતું. 40થી વધુ લોકોનાં મોત થયા છે અને 50થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમારા દૂતાવાસ શિવિરમાં ગયા છે. આગળની જાણકારી આપવામાં આવશે. જીવ ગુમાવનાર પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તેવી કામના કરું છું. અમારા દૂતાવાસ આ અંગે તમામ સંબંધિત લોકોને પૂરી મદદ આપશે.
ઈમારતના માલિકની ધરપકડ કરવાનો આદેશ
મળતી માહિતી અનુસાર કુવૈતના આંતરિક મંત્રીએ પોલીસને મંગાફ ઈમારતના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત બિલ્ડિંગના ચોકીદાર અને ઘટનાસ્થળે શ્રમિકો માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. મંત્રીએ આગ લાગવાના સ્થળની મુલાકાત બાદ એક નિવેદનમાં કહ્યું કે આજે જે કાંઈ થયું તે કંપની અને બિલ્ડિંગ માલિકોની લાલચનું પરિણામ છે. તેમને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા તેમજ તમામ પ્રકારની સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.


