- રાજ્ય સરકારે કિર્ગિસ્તાનના દૂતાવાસનો સંપર્ક કર્યો, પાછા લાવવા પ્રયાસો
- બે હેલ્પલાઈન : 055-710041, 005538 કાર્યરત
- ગુજરાતથી મુખ્યત્ત્વે સુરત શહેર અને જિલ્લામાંથી ગયેલા 100 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા
મધ્ય એશિયાના દેશો કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને કારણે કિર્ગિસ્તાનમાં મેડિકલ સહિત ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતથી મુખ્યત્ત્વે સુરત શહેર અને જિલ્લામાંથી ગયેલા 100 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. જેમાં સુરતના પાંચ અને બનાસકાંઠાના આઠ વિદ્યાર્થીઓ પરત ફરશે. એટલું જ નહીં તેમની હાલની પરીક્ષાઓ મુલતવી રાખીને ઓગસ્ટમાં લેવાશે. આ વિદ્યાર્થીઓ સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય તથા કિર્ગિસ્તાનના દૂતાવાસનો સંપર્ક કરી આ વિદ્યાર્થીઓ સલામત રીતે વતનમાં લાવવાની વ્યવસ્થાની વિગતો મેળવી હતી. તેમણે જણાવ્યું છે કે, કિર્ગિસ્તાનમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સહિત દેશભરમાંથી 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ ગયેલાં છે.
કિર્ગિસ્તાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓને એમ્બેસીના સંપર્કમાં રહી તેઓ તેમની વિગતો આપી શકે તે માટે બે હેલ્પલાઈન નંબર – 055710041 તથા 055005538 24 કલાક માટે કાર્યરત કરાઈ છે. વિદ્યાર્થીઓને પરત લાવવા માટે એરલાઇન ઓપરેશન્સ પણ કાર્યરત હોવાનું સરકારી યાદીમાં જણાવાયું છે. રાજ્યસરકારે એવો દાવો પણ કર્યો છે કે, ભારતીય દૂતાવાસ ત્યાંની યુનિવર્સિટીઓ સાથે સતત સંપર્કમાં છે અને ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા જણાવાયું છે.


