- મંદિરનો નિજદ્વાર રાત્રીના સાડા ત્રણ કલાકે માતાજી દર્શન માટે ખુલ્લો મુકાયો
- ભક્તો માટે એસટી બસો 24 કલાક ચલાવવામાં આવી રહી છે
- માતાજીનો જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું
આસો નવરાત્રીના પ્રથમ નોરતે યાત્રાધામ પાવાગઢ ખાતે માઇ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. જેમાં અઢી લાખ માઇ ભકતોએ માતાજીના ચરણમાં શીશ નમાવી ધન્યતા અનુભવી છે. 51 શક્તિપીઠ પૈકીના એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.
પ્રથમ નોરતે માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમનું અનેરું મહત્વ હોય છે તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પાવાગઢનો વિકાસ અને મંદિર પરિસદનું નિર્માણ થયા પછી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઐતિહાસિક ધ્વજ રોહણ બાદ યાત્રીઓનો ઘસારો વધ્યો છે. તેમાં પણ આજથી શરુ થયેલી આસો નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
એસટી બસો 24 કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે
નવરાત્રી પર્વને લઈ માઇ ભક્તો પૂર્વ રાત્રિથી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનો નિજદ્વાર રાત્રીના સાડા ત્રણ કલાકે માતાજી દર્શન માટે ખુલ્લો મૂકતા ભક્તો દ્વારા માતાજીનો જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું. ભાવિક ભક્તોની સુરક્ષા અને સલામતીના ભાગ રૂપે પાવાગઢ તળેટીથી લઈને નિજ મંદિર પરિષદ સુધી 700, ઉપરાંત પોલીસ કર્મીઓ ખડે પગે ફરજ બજાવે છે. આ ઉપરાંત તળેટીથી લઈ નીજ મંદિર સુધી 70, ઉપરાંત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેને લઇ યાત્રિકો પર સતત બાજ નજર રાખવામાં રાખવામાં આવી રહી છે. જયારે યાત્રિકોને તળેટીથી માંચી સુધી આવવા જવા માટે એસ.ટી. વિભાગ દ્વારા પચાસ ઉપરાંત એસટી બસો 24 કલાક દરમિયાન ચલાવવામાં આવી રહી છે.