- 10 વાગ્યા સુધી 1 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓ
- પોલીસે અયોધ્યા જતા વાહનોને રોકી દીધા
- લખનૌ-અયોધ્યા હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો
22 જાન્યુઆરીના રોજ સોમવારે અયોધ્યામાં પૂર્ણ થયેલા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ રામ ભક્તોનો ભારે ધસારો થઈ ગયો હતો. આજે 23 જાન્યુઆરી, મંગળવારે અયોધ્યા ભગવાન શ્રી રામ મંદિરના મુખ્ય દ્વાર પર દર્શન કરવા માટે ભક્તો ભારે માત્રામાં ઉમટી પડ્યાં હતાં. અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બાદ પહેલી વાર સવારે ભક્તો દર્શન કરવાં અને શ્રી રામલલાને જોવા માટે વહેલી સવારે 3 વાગ્યાથી મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં.
શ્રદ્ધાળુઓની ભીડ – પોલીસે અયોધ્યા જતા વાહનોને રોકી દીધા
અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આજથી જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આજથી અયોધ્યામાં રામ ભક્તો માટે રામ મંદિર ખોલી દેવામાં આવ્યું છે. રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. મંદિરમાં ભારે ભીડ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ ગઈ છે. જેને લઈને પોલીસે શ્રદ્ધાળુઓને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. શ્રદ્ધાળુઓની ભીડને જોતા બારાબંકી પોલીસે અયોધ્યા જતા વાહનોને રોકી દીધા છે.
સવારે 10 વાગ્યા સુધીમાં 1 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓ
રામ મંદિરની ચારેબાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેના કારણે સુરક્ષા કર્મચારીઓ લાચાર દેખાઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ સુરક્ષા કોર્ડન તોડીને મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં 1 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરી ચૂક્યા છે. રામ મંદિરની આસપાસ માત્ર શ્રદ્ધાળુઓ જ જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓની ભીડને સંભાળવા માટે યૂપી પોલીસ સિવાય સીઆરપીએફ સહિત તમામ રિઝર્વ ફોર્સના પોલીસ જવાન હાજર છે.
લખનૌ-અયોધ્યા હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો
આજે સવારથી જ લખનૌ-અયોધ્યા હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે. બારાબંકીથી અયોધ્યા એક પણ વાહનને જવા દેવામાં આવી રહ્યો નથી. હજારો લોકો બારાબંકીથી લખનૌની વચ્ચે ફસાઈ ગયા છે. લખનૌ ઝોનના ADG પીયૂષ મોરડિયાએ અયોધ્યામાં રામલલ્લાના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભારે ભીડને લઈને કહ્યું કે,’અહીં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા છે. કોઈ ભક્તને અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવાની અમારી પ્રાથમિક ફરજ છે. હું ભક્તોને મંદિર પરિસરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરું છું. ભક્તોને ધીરજ રાખવાની અપીલ.
સીએમ યોગીએ તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા
અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની ભીડને પગલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે તેમના આજના તમામ કાર્યક્રમો રદ કર્યાં છે અને અયોધ્યા રામ મંદિર પર થયેલ ભીડને કાબુમાં લેવાના તમામ પ્રયાસે ત્વરિત હાથ ધરવામાં કવાયત હાથ ધરી છે. તેમજ આ સાથે જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પર તેમના કાર્યક્રમો રદ કર્યાં છે અને અયોધ્યા પહોંચવા નીકળી ગયાં છે.


