- કેજરીવાલ સરકારની મુશ્કેલીમાં વધારો
- મહોલ્લા ક્લિનિકમાં ફેક ટેસ્ટ મામલે CBI તપાસ થશે
- નકલી દર્દીઓના નામે ટેસ્ટ કરાયા હોવાનો આક્ષેપ
લીકર સ્કેમ પોલિસી મામલે અરવિંદ કેજરીવાલને ઇડીનું સમન્સ પાઠવવામાં આવ્યું પરંતુ તેઓ પૂછપરછ માટે હાજર થઇ રહ્યા નથી. તેવામાં હવે એવી અટકળો વહેતી થઇ છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ થઇ શકે છે. તેવામાં તેમના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે મહોલ્લા ક્લિનિક મામલે કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.
એલજીએ આપ્યા CBI તપાસના આદેશ
દિલ્હી સરકારની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ અન્ય એક કેસમાં CBI તપાસના આદેશ આપ્યા છે. લેફ્ટનન્ટ ગવર્નરે મોહલ્લા ક્લિનિકમાં નકલી ટેસ્ટ કેસની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. એલજી ઓફિસના જણાવ્યા અનુસાર દિલ્હી સરકાર દ્વારા સંચાલિત મોહલ્લા ક્લિનિક્સમાં નકલી દર્દીઓના નામે પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.
નકલી દવાની સપ્લાય કરવાનો આરોપ
મહત્વનું છે કે અગાઉ એલજીએ દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં કેટલીક જીવનરક્ષક દવાઓ સહિત બિન-માનક દવાઓની પ્રાપ્તિ અને સપ્લાય અંગે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આવી નકલી દવાઓ દિલ્હીના આરોગ્ય વિભાગ હેઠળની કેન્દ્રીય પ્રાપ્તિ એજન્સીમાંથી સરકારી હોસ્પિટલોમાં સપ્લાય કરવામાં આવતી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘણા દર્દીઓ અને મોટા પાયે લોકોની ફરિયાદોને પગલે ઇહબાસ, લોક નાયક અને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. આ ત્રણેય હોસ્પિટલમાં લાખો દર્દીઓ સારવાર લે છે. તો બીજી તરફ દિલ્હી સરકાર પર કથિત દારૂ કૌભાંડ કેસનો આરોપ હતો. જેમાં તપાસ ચાલી રહી છે. આ સાથે જ ભાજપે દિલ્હી સરકાર પર વોટર બોર્ડમાં ગોટાળાનો આરોપ પણ લગાવ્યો હતો.


