તહેવારોની ભરમારમાં બજારમાં મીઠાઈ અને પનીરનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. વાનગીઓમાં ઉપયોગમાં લેવાતું બજારનું પનીર કયારેક સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા સર્જી શકે છે. પનીર શુદ્ધતા ચકાસી ઉપયોગ કરવાથી આરોગ્ય તંદુરસ્ત રાખી શકશો. બજારનું પનીર કેટલું ભેળસેળવાળું છે તેનું પરીક્ષણ ઘરે સરળતાથી કરી શકો છો.
આ ત્રણ રીતથી તમે પનીરની શુદ્ધતા ચકાસી શકો છો.
પાણીથી કરો પરીક્ષણ : એક સ્વચ્છ ગ્લાસમાં હુંફાળું પાણી લો અને તેમાં પનીરનો એક નાનો ટુકડો ઉમેરો. હવે તેને 5-10 મિનિટ માટે રહેવા દો. જો પનીર અસલી હશે, તો તે પાણીમાં તેનો આકાર જાળવી રાખશે અને તૂટશે નહીં. જો પનીરમાં સ્ટાર્ચ અથવા અન્ય ભેળસેળ હશે, તો તે પાણીમાં તૂટી જશે અને તેને વાદળછાયું બનાવશે અને પાણીનો રંગ બદલી શકે છે.
ગેસ પર ગરમ કરી ચકાસો : એક પેનમાં પનીરનો એક નાનો ટુકડો ધીમા તાપે ગરમ કરો. જો પનીર શુદ્ધ હોય, તો તે થોડું સંકોચાઈને પાણી છોડશે અને પીળો થઈ શકે છે. જો તે કૃત્રિમ રીતે ભેળસેળયુક્ત હોય, તો તે ઓગળી જશે અને ચીકણું બનશે અથવા તેલયુક્ત પદાર્થ છોડશે.
લીંબુના ઉપયોગથી કરો ચકાસણી : થોડા ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરો અને તેમાં પનીરનો એક નાનો ટુકડો નાખો. જો પનીરમાં કૃત્રિમ ઘટકો હોય, તો તેનો રંગ અથવા રચના બદલાઈ શકે છે.
આ બાબતનું રાખો ધ્યાન
જયારે પણ પનીરની ખરીદી કરો ત્યારે હંમેશા વિશ્વસનીય ડેરીમાંથી ફ્રેસ પનીર ખરીદો. ઘરે લાવો ત્યારે તરત ઉપયોગ ના કરવાનો હોય તો ફ્રિજમાં મૂકી દો. અને લાંબા સમય સુધી ફ્રિજમાં પણ પનીરને ના મૂકી રાખો. કારણ કે જૂનું પનીર તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. સ્વસ્થ રહેવા માટે યોગ્ય અને શુદ્ધ ખોરાક પસંદ કરવો એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે.


