વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસી શુક્રવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા. તેમના આગમનને લઈને નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર હજારોની સંખ્યામાં પ્રશંસકો ઉમટી પડ્યા હતા. મેસીની એક ઝલક મેળવવા માટે લોકો કલાકો પહેલાંથી એરપોર્ટ બહાર એકત્ર થઈ ગયા હતા. ભારત માટે મેસીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ લગભગ 14 વર્ષ બાદ ફરી એકવાર ભારતીય ધરતી પર આવ્યા છે.
મેસીનું વિમાન રાત્રે આશરે 2:26 વાગ્યે કોલકાતામાં ઉતર્યું
મેસીનું વિમાન રાત્રે આશરે 2:26 વાગ્યે કોલકાતામાં ઉતર્યું. ઠંડી હોવા છતાં પ્રશંસકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. ‘મેસી-મેસી’ના નારાઓ, તાળીઓ અને શોરગુલથી આખું એરપોર્ટ ગુંજી ઉઠ્યુ. ઘણા ચાહકો આર્જેન્ટિનાનો ધ્વજ, મેસીની જર્સી અને બેનરો લઈને આવ્યા હતા. કેટલાક લોકો તો માત્ર એક ઝલક જોવા માટે આખી રાત જાગ્યા હતા.
મેસીનો આ પ્રવાસ ‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ તરીકે ઓળખાય છે.
ભારે સુરક્ષા વ્યવસ્થાઓ વચ્ચે મેસીને VIP માર્ગથી બહાર લઈ જવાયા, છતાં ચાહકોનો ઉત્સાહ કાબૂમાં રહ્યો નહોતો. બાળકોને ખભા પર બેસાડી ફોટા ખેંચવાની કોશિશ, મોબાઇલ કેમેરાની ફ્લેશ અને ઉત્સાહભર્યું વાતાવરણ એક ઉત્સવ જેવી લાગણી ઉભી કરી રહ્યું હતું. સુરક્ષા કર્મીઓએ ભીડને સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
મેસીનો આ પ્રવાસ ‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ તરીકે ઓળખાય છે. આ દરમિયાન તેઓ કોલકાતા ઉપરાંત મુંબઈ, હૈદરાબાદ અને નવી દિલ્હી જેવા શહેરોમાં પણ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને પ્રશંસકો સાથે મુલાકાત કરશે. કોલકાતા, જે પહેલેથી જ ફૂટબોલ પ્રેમ માટે જાણીતું શહેર છે, ત્યાં મેસીના આગમને ચાહકોમાં ખાસ ઉત્સાહ અને ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
કોલકાતામાં મેસીનો કાર્યક્રમ
કોલકાતામાં લિયોનેલ મેસીનો દિવસ એક ખાનગી મીટ-એન્ડ-ગ્રીટ કાર્યક્રમથી શરૂ થશે, જે સવારે 9:30થી 10:30 વાગ્યા સુધી યોજાશે. આ કાર્યક્રમ માત્ર પસંદગીના મહેમાનો માટે જ રહેશે. ત્યારબાદ મેસી ઑનલાઇન માધ્યમથી તેમના નામની એક પ્રતિમાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે, જે શહેર સાથેના તેમના ખાસ સંબંધને દર્શાવે છે.
દિવસનો સૌથી મોટો અને ખાસ આકર્ષણ યુવભારતી સ્ટેડિયમ (સોલ્ટ લેક સ્ટેડિયમ)માં યોજાનારો ફ્રેન્ડલી મેચ રહેશે. આ મેચ જોવા માટે હજારોની સંખ્યામાં દર્શકો પહોંચવાની શક્યતા છે. આ જ સ્ટેડિયમમાં યોજાનારા ફેન ઇન્ટરએક્શન પ્રોગ્રામ સાથે કોલકાતામાં મેસીનો કાર્યક્રમ પૂર્ણ થશે.
આ તમામ કાર્યક્રમોના ટિકિટ ડિસ્ટ્રિક્ટ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ટિકિટની શરૂઆતની કિંમત અંદાજે 4,500 રૂપિયા રાખવામાં આવી હતી. ભારે માંગને કારણે મોટા ભાગની ટિકિટ ખૂબ જ ઓછા સમયમાં વેચાઈ ગયા, કારણ કે કોલકાતા ઘણા વર્ષોમાં તેના સૌથી મોટા ફૂટબોલ કાર્યક્રમોમાંથી એક માટે તૈયારી કરી રહ્યું છે.


