શનિવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાયેલા પ્રખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સીના કાર્યક્રમ દરમિયાન અચાનક અંધાધૂંધી સર્જાઈ હતી. ઘટનાને ગંભીરતાથી લેતાં પોલીસે મુખ્ય આયોજક શત્રુઘ્ન દત્તાને એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. DGP રાજીવ કુમારે કહ્યું કે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે અને જવાબદાર કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી થશે.
DGPનું નિવેદન
DGPએ જણાવ્યું કે ચાહકોને અપેક્ષા હતી કે મેસ્સી રમશે, પરંતુ કાર્યક્રમમાં તે રમવાનો ન હોવાથી લોકોમાં ગુસ્સો અને નિરાશા જોવા મળી. મૂળ યોજના મુજબ મેસ્સી માત્ર હાજરી આપીને, થોડા લોકો સાથે મુલાકાત કરી પરત જવાના હતા. આ ગેરસમજ અને આયોજનમાં થયેલી ખામીઓ અંધાધૂંધીનું કારણ બની.
તપાસ કરવા આદેશ
રાજ્ય સરકારે આયોજકો તરફથી ગેરવહીવટ થઈ છે કે નહીં તે તપાસવા માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. સાથે જ, આયોજકો દ્વારા ટિકિટ ખરીદનાર દર્શકોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી બેદરકારી સજા વિના નહીં રહે.
પરિસ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં
આ મામલે કાયદા અને વ્યવસ્થાના ADG જાવેદ શમીમે જણાવ્યું કે પરિસ્થિતિ હવે સંપૂર્ણ નિયંત્રણમાં છે. ટ્રાફિક સામાન્ય છે અને લોકો સલામત રીતે ઘરે પરત ફર્યા છે. FIR નોંધાઈ ચૂકી છે અને મુખ્ય આયોજકની પૂછપરછ શરૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી બહાર આવે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.
મમતા બેનર્જીની માફી, તપાસના આદેશ
મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મેસ્સીને મળવાના હતા, પરંતુ અંધાધૂંધીને કારણે તેમણે સ્ટેડિયમ પહોંચતા પહેલા જ પોતાનો કાર્યક્રમ રદ કર્યો. બાદમાં તેમણે આ ઘટનાને લઈ માફી માંગી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. સાથે જ, સમગ્ર ઘટનાની તપાસ માટે સમિતિ રચવાનો આદેશ આપ્યો.


